




કચ્છ, 09 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના ખેડૂતો માટે પરંપરાગત ખેતીની સાથે વૃક્ષોની ખેતીને આવકના વૈકલ્પિક સ્ત્રોત તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે. ગાંધીધામના કંડલા ટીમ્બર એસોસિએશન હોલ ખાતે સામાજિક વનીકરણ વિભાગ, કચ્છ દ્વારા ‘ખેડૂત જાગૃતિ વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતોને એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વર્કશોપને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, ખેડૂતની આવકમાં વધારો અને પર્યાવરણનું રક્ષણ—બંને હેતુને એકસાથે આગળ ધપાવતો એગ્રો ફોરેસ્ટ્રીનો અભિગમ કચ્છ માટે ખાસ ઉપયોગી બની શકે છે. ખેડૂતો ખેતરના શેઢા, પડતર જમીન તથા યોગ્ય સ્થળોએ વૃક્ષોનું વાવેતર કરીને પરંપરાગત ખેતીની સાથે વધારાની આવક ઊભી કરે તેવી તેમણે અપીલ કરી હતી. કચ્છમાં બાગાયત ક્ષેત્રે થયેલા વિકાસ બાદ હવે કૃષિ વનીકરણમાં પણ મોટી સંભાવનાઓ હોવાનું તેમણે જણાવ્યું હતું.
કચ્છ વન વર્તૂળના વન સંરક્ષક ડૉ. ધીરજ મિત્તલે જણાવ્યું કે, કંડલા અને આસપાસના વિસ્તારમાં લાકડા તથા પ્લાયવૂડ ઉદ્યોગોની હાજરીને કારણે સ્થાનિક ખેડૂતોને વૃક્ષોના ઉત્પાદન માટે બજાર મળી શકે છે. સાગ, ચંદન, મીલીયા-ડુબિયા, નીલગીરી અને અરડૂસા જેવા વૃક્ષોનું આયોજનબદ્ધ વાવેતર ખેડૂતો માટે લાંબા ગાળાની આવકનું સાધન બની શકે છે.
સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક જે.આર. પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારની ‘ગ્રીન કવર વધારવા અને ખેડૂતોની આવકમાં વધારો’ યોજના અંતર્ગત ખેડૂતોને એગ્રો ફોરેસ્ટ્રી તરફ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
કાર્યક્રમમાં કાર્બન ક્રેડિટ, વૃક્ષોની ખેતી, માર્કેટિંગ અને લાકડાની માંગ જેવા વિષયો પર નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થાઓ, ખેડૂતો અને સામાજિક વનીકરણ વિભાગ વચ્ચે એગ્રો ફોરેસ્ટ્રીને પ્રોત્સાહન આપવા એમઓયુ પણ કરવામાં આવ્યા હતા. પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરી વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ કંડલા ટીમ્બર હોલ પરિસરમાં વૃક્ષારોપણ કરીને હરિયાળા કચ્છનો સંદેશ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar