






કચ્છ, 09 ઓગસ્ટ (હિ.સ.) : દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના રંગોથી કંડલા પોર્ટ ટાઉનશિપ ગોપાલપુરી આજે જાણે તિરંગામય બની ગયું હતું. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA), કંડલા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપ્રેમની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ યાત્રામાં પોર્ટ પરિવારથી લઈને વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો સુધીના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
તિરંગા યાત્રાનું નેતૃત્વ DPAના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંઘ, IRSME દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સાથે પોર્ટના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રામાં DPAના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત CISFના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ, દીનદયાલ મહિલા શક્તિ કેન્દ્ર (DMSK), સુરક્ષા કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા.
હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને આગળ વધતા સહભાગીઓ અને દેશભક્તિના નારાઓથી ગોપાલપુરીનો સમગ્ર વિસ્તાર રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યો હતો. તિરંગાના ત્રણ રંગોથી સજ્જ વાતાવરણમાં ‘વંદે માતરમ્’ના નાદે ઉપસ્થિત લોકોમાં એકતા અને રાષ્ટ્રગૌરવની લાગણી વધુ પ્રબળ બનાવી હતી. યાત્રા દરમિયાન બાળકોથી લઈને વડીલો સુધી સૌએ રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
DPA દ્વારા આયોજિત આ કાર્યક્રમ માત્ર તિરંગા યાત્રા પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ રાષ્ટ્રધ્વજ સાથે દરેક નાગરિકના ભાવનાત્મક જોડાણને વધુ મજબૂત કરવાનો સંદેશ પણ આપ્યો હતો. ‘હર ઘર તિરંગા’ અભિયાન દ્વારા તિરંગાને માત્ર રાષ્ટ્રીય પ્રતીક તરીકે નહીં, પરંતુ દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ અને સામૂહિક રાષ્ટ્રીય ઓળખના પ્રતીક તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કંડલા પોર્ટની આ તિરંગા યાત્રાએ પોર્ટ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ, સુરક્ષા જવાનો અને સ્થાનિક સમુદાયને એક મંચ પર લાવી રાષ્ટ્રપ્રેમની સામૂહિક લાગણીને ઉજાગર કરી હતી. આ સાથે DPA કંડલા દ્વારા ‘હર ઘર તિરંગા’ ઉજવણીનો પ્રારંભ જ દેશભક્તિ, એકતા અને ‘વંદે માતરમ્’ની ભાવનાના સશક્ત સંદેશ સાથે થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar