
કચ્છ, 09 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે વર્ષોથી પરેશાનીનું કારણ બનેલી એક મોટી સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવ્યો છે. બિદડા, ફરાદી અને રામાણીયા સહિત આસપાસના ગામોને જોડતા માર્ગ પર ફરાદી-રામાણીયા વચ્ચે આવેલી જૂની પાપડીના કારણે, ચોમાસામાં વારંવાર માર્ગ બંધ થઈ જતો હતો. હવે આ સ્થળે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.8.73 કરોડના ખર્ચે નવો બોક્સ કલવર્ટ એટલે કે બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
ફરાદી અને રામાણીયા વચ્ચેનો આ માર્ગ, આસપાસના અનેક ગામો માટે રોજિંદા આવાગમનનું મહત્વનું માધ્યમ છે. જોકે, વરસાદની મોસમ શરૂ થતાં જ જૂની પાપડી પરથી પાણી વહેવા લાગતું અને વાહનવ્યવહાર ખોરવાઈ જતો હતો. ભારે વરસાદ દરમિયાન તો, માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જતાં સ્થાનિકોને લાંબો ચક્કર લગાવીને અન્ય રસ્તાનો સહારો લેવો પડતો હતો. આ સમસ્યાની સૌથી વધુ અસર ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ તેમજ રોજગારી અને વ્યવસાય માટે અવરજવર કરતા ગ્રામજનો પર પડતી હતી.
વર્ષ 2024માં રાજ્ય સરકાર દ્વારા માર્ગના વિકાસ માટે રૂ.8.73 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ મંજૂર રકમમાંથી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), ભુજ દ્વારા જૂની પાપડીના સ્થાને આધુનિક બોક્સ કલવર્ટનું નિર્માણ હાથ ધરાયું છે. નવા બાંધકામથી વરસાદી પાણીના વહેણને માર્ગની નીચેમાંથી પસાર થવા માટે યોગ્ય વ્યવસ્થા ઉભી થશે અને પાણીના કારણે માર્ગ બંધ થવાની સમસ્યા દૂર થશે.
આ બ્રિજનું નિર્માણ માત્ર એક માર્ગનું કામ નથી, પરંતુ સમગ્ર વિસ્તારના ગ્રામજનો માટે કાયમી સુવિધા સમાન છે. બિદડા, ફરાદી, રામાણીયા, બેરાજા સહિત અંદાજે આઠ ગામોના લોકો માટે બારેમાસ સુરક્ષિત અને સરળ પરિવહનનો માર્ગ ખુલશે. ખાસ કરીને તબીબી કટોકટીના સમયે દર્દીઓને હોસ્પિટલ સુધી ઝડપથી પહોંચાડવામાં પણ આ સુવિધા મહત્વપૂર્ણ સાબિત થશે.
નવા બોક્સ કલવર્ટથી, ચોમાસામાં માર્ગ બંધ થવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવવાની સાથે ગ્રામ્ય વિસ્તારના આર્થિક અને સામાજિક જોડાણને પણ વેગ મળશે. સ્થાનિકોની લાંબા સમયથી રહેલી માંગ પૂર્ણ થતાં હવે વરસાદી દિવસોમાં પણ અવરજવર અવિરત રહેવાની આશા સેવાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar