પંડ્યાગઢના તળાવની પાળ બની, જુગારનો અડ્ડો! આડેસર પોલીસ ત્રાટકી, બે ઝડપાયા; 6 આરોપી ફરાર
કચ્છ, 09 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના આડેસર વિસ્તારમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ટગાથી પંડ્યાગઢ તરફ જતા માર્ગ પર આવેલા તળાવની પાળ પાસે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતાં પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલી
જુગાર કેસમાં પકડાયેલ આરોપીઓ


કચ્છ, 09 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના આડેસર વિસ્તારમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ટગાથી પંડ્યાગઢ તરફ જતા માર્ગ પર આવેલા તળાવની પાળ પાસે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતાં પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસની અચાનક કાર્યવાહીથી જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય છ શખ્સો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા.

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આડેસર પોલીસ સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરીને પંડ્યાગઢ જવાના રસ્તે તળાવની પાળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગારના સ્થળે હાજર લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી. આ દરમિયાન મુબારક મામદ હીંગોરજા અને મહેબુબ અબરામ હીંગોરજાને પોલીસે ઝડપી પાડ્યા હતા.

જ્યારે પોલીસની પકડથી બચવા માટે સિકંદર શેરમામદ હીંગોરજા, અયુબ અલીમામદ હીંગોરજા, હકીમ અલીમામદ હીંગોરજા, અબ્બાસ મામદ હીંગોરજા, અબ્બાસ રહીમ મેણુ અને અફિક નજરમામદ હીંગોરજા સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.

દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ ઉપરાંત પાંચ મોટરસાઇકલ સહિત કુલ રૂ. 1,56,350નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી બાદ આડેસર પોલીસે, જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે બોર્ડર રેન્જ ભુજના આઇ.જી. ચીરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને બાતમી આધારીત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આડેસર વિસ્તારમાં થયેલી આ કાર્યવાહી પણ તે જ અભિયાનનો એક ભાગ હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે ફરાર છ આરોપીઓને ઝડપી પાડવા તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે. તળાવની પાળ જેવા જાહેર સ્થળે ચાલતી જુગારની પ્રવૃત્તિ સામે થયેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande