
કચ્છ, 09 ઓગસ્ટ (હિ.સ.) : રાપર તાલુકામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરતા પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી રવ ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મંદિર નજીક ઉભેલી એક સફેદ રંગની કેટે કારમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડના કુલ 1,432 બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ સહિત કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 6,92,984નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી.
આ દરમિયાન એલસીબીની ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે મોટી રવ ગામના દ્વારવાસ વિસ્તારમાં આવેલા પ્રભા દાદાના નાના મંદિરની બાજુમાં સફેદ રંગની કેટે કાર શંકાસ્પદ રીતે ઉભી છે. કારમાં બીયરના ટીન ભરેલા હોવાની માહિતી મળતા એલસીબી ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોલીસે સ્થળ પર પહોંચીને કારની તલાશી લેતા તેમાં બડવાઈઝર મેગ્રમ પ્રીમિયમ બીયરના 500 એમએલના 935 ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 1,05,684 હોવાનું જણાવાયું છે. ઉપરાંત હેવર્ડ 5000 સુપર સ્ટ્રોંગ બીયરના 500 એમએલના 497 ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 57,000 ગણવામાં આવી છે. આમ કુલ 1,432 બીયરના ટીનની કિંમત રૂ. 1,62,684 થાય છે.
દારૂના જથ્થા ઉપરાંત પોલીસે જીજે-16-સીબી-1328 નંબરની કેટે કાર પણ કબજે કરી છે, જેની કિંમત આશરે રૂ. 5 લાખ આંકવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 6,92,984નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસમાં કારના ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ માટે સમગ્ર મુદ્દો રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો બહાર આવવાની શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar