
કચ્છ, 09 ઓગસ્ટ (હિ.સ.): ભુજ તાલુકાના માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર સાથે ફરતા એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજે ઝડપી પાડ્યો છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી સિંગલ બેરલ પ્રકારની દેશી બનાવટની બંદૂક મળી આવતા તેને કબજે કરવામાં આવી છે. સમગ્ર મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા તેમજ પરવાના વગર ગેરકાયદેસર હથિયારો રાખતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા ભુજ તાલુકા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પેટ્રોલિંગ દરમિયાન ટીમ વરનોરા ગામ નજીક પહોંચી હતી. તે સમયે ASI અનિરુદ્ધસિંહ રાઠોડ અને HC ધર્મેન્દ્રભાઈ રાવલને ખાનગી બાતમી મળી હતી કે, વરનોરા ગામથી થોડે દૂર તળાવ તરફ જતા કાચા રસ્તા પાસે બાવળની ઝાડીઓમાં એક શખ્સ શંકાસ્પદ સ્થિતિમાં ઉભો છે અને તેની પાસે ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક છે.
બાતમીના આધારે પોલીસે, તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતાં સબીર અબ્દુલ મમણ, રહે. નાના વરનોરા, તાલુકો ભુજ, નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેની તલાશી લેતાં તેની પાસેથી સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 1,000 હોવાનું જાણવા મળ્યું છે.
હથિયાર અંગે જરૂરી પાસ-પરવાનો રજૂ કરવા પોલીસે પૂછપરછ કરતાં આરોપી પાસે કોઈ લાયસન્સ કે આધારભૂત દસ્તાવેજ ન હોવાનું સામે આવ્યું હતું. પરિણામે પોલીસે હથિયાર કબજે કરી આરોપીને ઝડપી લીધો હતો.
આ કેસમાં ઓસમાણ ગની ઉર્ફે કારો ઇસ્માઇલ મમણ, રહે. નાના વરનોરા,નું નામ પણ સામે આવ્યું છે, જેની ધરપકડ કરવાની બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. સમગ્ર મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 0520/2026 હેઠળ આર્મ્સ એક્ટ કલમ 25(1-B)A તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ફરિયાદ નોંધાઈ છે.
આ કાર્યવાહી LCBના ASI અનિરુદ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ તથા HC ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, શ્યામદાન ગઢવી અને જીવરાજભાઈ ગઢવી સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપી અને કબજે કરાયેલ હથિયારને વધુ કાયદેસરની કાર્યવાહી માટે માધાપર પોલીસને સોંપવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar