
- ભોપાલ-રીવા, ભોપાલ-પટના, રીવા-કોલકાતા અને જબલપુર-કોલકાતા વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ થશે
ભોપાલ, નવી દિલ્હી,09 ઓગસ્ટ (હિ.સ.) મધ્યપ્રદેશને આજે ચાર નવી હવાઈ સેવાઓની ભેટ મળવા જઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર આયોજિત કાર્યક્રમમાં આ સીધી હવાઈ સેવાઓનો શુભારંભ કરશે. આમાં ભોપાલ-રીવા, ભોપાલ-પટના, રીવા-કોલકાતા અને જબલપુર-કોલકાતા હવાઈ માર્ગોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ડો. યાદવ ભોપાલથી રીવાની પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઓફ કરશે. કાર્યક્રમમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્જારાપુ રામમોહન નાયડુ, નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ સમીર કુમાર સિંહા, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન વિપિન કુમાર, એલાયન્સ એરના ચેરમેન અમિત કુમાર, અપર મુખ્ય સચિવ, ઉડ્ડયન, સંજય કુમાર શુક્લા, ઉડ્ડયન કમિશનર ચંદ્રમૌલી શુક્લા, ભોપાલ એરપોર્ટના ડાયરેક્ટર આલોક ત્રિપાઠી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
જનસંપર્ક અધિકારી જૂહી શ્રીવાસ્તવે જણાવ્યું કે, આ નવી સેવાઓ શરૂ થવાથી રાજ્યની આંતરિક અને આંતરરાજ્ય હવાઈ કનેક્ટિવિટીને વધુ મજબૂતી મળશે. આ સેવાઓનું સંચાલન એલાયન્સ એર દ્વારા કરવામાં આવશે. આ તમામ સ્થાનિક હવાઈ માર્ગોને મધ્યપ્રદેશ નાગરિક ઉડ્ડયન નીતિ હેઠળ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. દરેક રાઉન્ડ ટ્રિપ પર રાજ્ય સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની વાયબિલિટી ગેપ ફંડિંગ (VGF) આપવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા હવાઈ કનેક્ટિવિટીના વિસ્તરણને સતત પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સરકારની નીતિ હેઠળ અત્યાર સુધીમાં આઠ નવા હવાઈ માર્ગોને મંજૂરી આપવામાં આવી છે. આમાંથી ચાર માર્ગો પર હવાઈ સેવાઓ શરૂ થઈ ગઈ છે, જ્યારે ચાર નવા માર્ગો પર સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. નીતિ હેઠળ અગાઉ શરૂ કરાયેલા માર્ગોમાં રીવા-દિલ્હી, રીવા-ઇન્દોર, રીવા-રાયપુર અને ઇન્દોર-અબુધાબીનો સમાવેશ થાય છે. જનસંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર, ભોપાલ-રીવા સીધી હવાઈ સેવા રાજ્યની અંદર હવાઈ કનેક્ટિવિટીને મજબૂત કરશે. આનાથી રાજધાની ભોપાલ અને વિંધ્ય ક્ષેત્ર વચ્ચેનો સીધો હવાઈ સંપર્ક વધુ મજબૂત બનશે.
આ જ રીતે, ભોપાલ-પટના સીધી ફ્લાઇટથી મધ્યપ્રદેશની રાજધાની સીધી બિહારની રાજધાની સાથે જોડાશે. આનાથી બંને રાજ્યો વચ્ચે અવરજવર સરળ બનશે અને મધ્યપ્રદેશમાં રહેતી બિહારની મોટી વસ્તી તેમજ મુસાફરો, વેપારીઓ અને કારોબારીઓને સુવિધા મળશે. રીવા-કોલકાતા અને જબલપુર-કોલકાતા વચ્ચે સીધી હવાઈ સેવાઓ શરૂ થવાથી રાજ્યના આ બંને મહત્વપૂર્ણ શહેરોનો કોલકાતા અને પૂર્વ ભારત સાથેનો હવાઈ સંપર્ક મજબૂત બનશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ