





પોરબંદર, 09 ઓગસ્ટ (હિ.સ.)વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ, પોરબંદર જિલ્લાના બરડા વન્યજીવ અભયારણ્ય (બરડા સફારી)ની મુલાકાત લઈ વન વિસ્તાર અને વન્યજીવ સંરક્ષણની કામગીરીની સમીક્ષા કરી તેમજ પાસેના ધાર્મિક અને પ્રાકૃતિક રમણીય સ્થળ કિલેશ્વર ખાતે જતા પ્રવાસીઓના પ્રતિભાવો મેળવ્યા હતા. આ દરમિયાન મંત્રીએ, બરડા વિસ્તારમાં આવેલા બાળા નેસ ખાતે સ્થાનિક માલધારીઓ સાથે સંવાદ સાધી તેમની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નો અંગે વિગતવાર જાણકારી મેળવી હતી.
મંત્રીએ સ્થાનિક માલધારીઓ સાથે સંવાદ દરમિયાન વન્યજીવ સંરક્ષણની સાથે વન વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સુવિધાઓ, બાળકોના શિક્ષણ તેમજ મૂળભૂત જરૂરિયાતોનું પણ યોગ્ય ધ્યાન રાખવા પર ભાર મૂક્યો હતો. ઉપરાંત, સ્થાનિક લોકોના પ્રશ્નોનું સંવેદનશીલતા પૂર્વક અને સમયબદ્ધ રીતે નિરાકરણ આવે તે માટે જરૂરી પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું અને મંત્રીનું સ્થાનિક માલધારીઓએ પરંપરાગત પાઘડી અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
બાળાનેસ વિસ્તારમાં પશુપાલકોને તાત્કાલિક ધોરણે ઘાસચારો મળી રહે તે માટે મંત્રીએ ઘાસકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સંબંધિત અધિકારીઓને ઘાસની જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.
સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિસ્થાપન, આરોગ્ય સેવાઓ, દૂધ ડેરીની સુવિધા, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા સહિતના વિવિધ પ્રશ્નો મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.મંત્રીએ માલધારીઓની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી, તેમના પ્રશ્નોનું સકારાત્મક અને સમયબદ્ધ નિરાકરણ આવે તે દિશામાં જરૂરી કાર્યવાહી હાથ ધરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ મુલાકાત દરમિયાન ખંભાળિયાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, મુખ્ય વન સંરક્ષક રામરતન નાલા, નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદગુડે અગ્રણી ભીમાભાઇ ઓડેદરા સહિત વન વિભાગના અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya