જામનગરમાં ખુલ્લા પ્લોટોમાં, વરસાદી પાણીના ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ, રોગચાળો વકર્યો
જામનગર, 09 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ મહાનગરપાલિકાની ઉઘાડી પડેલી બેદરકારીથી નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના નવા વિકસતા વિસ્તારો તેમજ વિવિધ સોસાયટીઓમાં આવેલા કોમન પ્લોટ અને ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટોમાં વ
ખુલ્લા પ્લોટમાં વરસાદી પાણીનો ભરાવો


જામનગર, 09 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગર શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ મહાનગરપાલિકાની ઉઘાડી પડેલી બેદરકારીથી નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના નવા વિકસતા વિસ્તારો તેમજ વિવિધ સોસાયટીઓમાં આવેલા કોમન પ્લોટ અને ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટોમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ઠેર-ઠેર પાણીના તળાવડા ભરાઈ રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકાની ઘોર ઉપેક્ષાના કારણે આ ભરાયેલા પાણી મચ્છરોના પ્રજનન માટે ઉત્તમ કેન્દ્ર બની ગયા છે, જેના પરિણામે સમગ્ર શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ગંભીરતાથી માથું ઊંચક્યું છે.

હાલમાં શહેરમાં ઘર-ઘરે તાવ, શરદી, ઉધરસ સહિતના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. પરિણામે સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે, જેનાથી ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પર કામગીરીનું ભારણ વધી ગયું છે.

સ્થાનિક રહીશો અને નાગરિકો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર માંગણી કરવામાં આવી છે કે મનપા દ્વારા ખુલ્લા પ્લોટોમાં ભરાયેલા દૂષિત પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે. આ સાથે જ રોગચાળો વધુ વિસ્ફોટક રૂપ ન ધારણ કરે, તે માટે સમગ્ર વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ, ફોગિંગ અને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવી અત્યંત જરૂરી બની ગઈ છે. જો મનપા તંત્ર દ્વારા વહેલી તકે નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જામનગરમાં આરોગ્ય વિષયક સ્થિતિ વધુ વણસી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande