
નવસારી, 09 ઓગસ્ટ (હિ.સ.) : વાંસદા તાલુકામાં ગેરકાયદે હથિયાર રાખવાના મામલે પોલીસે કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે 8 ઓગસ્ટે પોલીસ ટીમે ચારણવાડા ગામના ઉપલુ ફળિયામાં રહેતા ફુલજી ડુબલુભાઈ માહલાના ઘરે તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન તેમના મકાનમાંથી દેશી બનાવટની એક બંદૂક મળી આવતા પોલીસે 60 વર્ષીય ફુલજીભાઈની ધરપકડ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસે બંદૂક ઉપરાંત લોખંડનો સળિયો, પારાના આઠ છરા તેમજ ભૂરા રંગનું કાપડ અને સફેદ કાગળનો ટુકડો પણ કબજે કર્યો હતો. ગેરકાયદે હથિયાર મળી આવતા પોલીસે વાંસદા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. કાર્યવાહી બાદ જપ્ત કરાયેલી વસ્તુઓને તપાસ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
હથિયાર આરોપી પાસે ક્યાંથી આવ્યું હતું અને તેનો હેતુ શું હતો તે જાણવા પોલીસે તપાસ આગળ ધપાવી છે. સમગ્ર કેસની તપાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ.વી. ચોસલા કરી રહ્યા છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ઉપરાંત હથિયારના સ્ત્રોત અને અગાઉ કોઈ ગુનામાં તેનો ઉપયોગ થયો છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે