
ભાવનગર, 09 ઓગસ્ટ(હિ.સ.) પાલીતાણા તાલુકાના મોડેલ ગ્રામ હણોલ ખાતે યોજાયેલ ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’નો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ ૧૧ વર્ષના ભવ્યરાજ ગોહિલ માટે, ખાસ યાદગાર બની રહ્યો હતો. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં વહેલી સવારે યોજાયેલા આ કાર્યક્રમમાં, મોટી સંખ્યામાં યુવાનો, ગ્રામજનો, રમતવીરો અને સાયકલિંગપ્રેમીઓ જોડાયા હતા.
આ કાર્યક્રમમાં ભવ્યરાજ ગોહિલે, પ્રથમ વખત સાયકલ ચલાવીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભવ્યરાજ માટે સાયકલિંગનો આ પહેલો અનુભવ રાષ્ટ્રીય કક્ષાના ‘સન્ડે ઑન સાયકલ’ કાર્યક્રમ સાથે જોડાતા ખાસ બની ગયો હતો. પ્રથમ વખત સાયકલ ચલાવવાનો ઉત્સાહ તેના ચહેરા પર જોવા મળ્યો હતો અને પરિવારજનો તથા ઉપસ્થિતોએ પણ તેને પ્રોત્સાહન આપ્યું હતું.
‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં નિયમિત કસરત, સાયકલિંગ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ વધારવાનો છે. હણોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે ૬ કિલોમીટરની સાયકલ રેલી યોજાઈ હતી. હણોલથી નેસડી અને નોઘણવદર તરફના માર્ગે સાયકલ સવારી કરવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ પણ સાયકલ ચલાવી ઉપસ્થિતોને ફિટનેસને દૈનિક જીવનનો ભાગ બનાવવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન સાયકલિંગ ઉપરાંત યોગ, ઝુંબા, ગરબા સહિતની વિવિધ ફિટનેસ પ્રવૃત્તિઓ તથા વૉલીબૉલ, ચેસ, કેરમ અને દોરડાકૂદ જેવી રમતગમતની પ્રવૃત્તિઓ યોજાઈ હતી.
ભવ્યરાજ માટે સાયકલિંગની શરૂઆત જ રાષ્ટ્રીય અભિયાનના માહોલમાં થઈ હોવાથી આ દિવસ તેના જીવનની યાદગાર ક્ષણ બની રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA