પાલીતાણાના હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’નો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો
ભાવનગર, 09 ઓગસ્ટ (હિ.સ.) પાલીતાણા તાલુકાના મોડેલ ગ્રામ હણોલ ખાતે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’ના ૮૫મા રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર
ફિટ ઈન્ડિયા અંતર્ગત કાર્યક્રમ યોજાયો


ભાવનગર, 09 ઓગસ્ટ (હિ.સ.) પાલીતાણા તાલુકાના મોડેલ ગ્રામ હણોલ ખાતે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’ના ૮૫મા રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, ગ્રામજનો, રમતવીરો અને સાયકલિંગપ્રેમીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

કાર્યક્રમ અંતર્ગત હણોલથી નેસડી અને નોઘણવદર સહિતના માર્ગે અંદાજે ૬ કિલોમીટરની સાયકલ રેલી યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ પણ સાયકલ ચલાવી ઉપસ્થિતોને નિયમિત કસરત કરવા, ફિટનેસને જીવનનો ભાગ બનાવવા અને નશાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સાયકલિંગ સરળ, સુલભ અને અસરકારક કસરત છે. નિયમિત સાયકલિંગથી શરીર સ્વસ્થ રહેવાની સાથે સક્રિય જીવનશૈલી વિકસે છે. સાયકલિંગથી પ્રદૂષણ ઘટાડવા, પર્યાવરણનું સંરક્ષણ કરવા અને ઈંધણની બચત કરવામાં પણ મદદ મળે છે. તેમણે ‘સન્ડે ઑન સાયકલ’ને માત્ર એક દિવસ પૂરતી પ્રવૃત્તિ ન રાખી દર રવિવારે સાયકલિંગ કરવાની ટેવ કેળવવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં સાયકલિંગ ઉપરાંત યોગ, ઝુંબા અને ગરબા જેવી ફિટનેસ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. વૉલીબૉલ, ચેસ, કેરમ અને દોરડાકૂદ જેવી વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ યુવાનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આંતરરાષ્ટ્રીય રમતવિજ્ઞાન નિષ્ણાત તથા ફિટનેસ ટ્રેનર સુશ્રી ઉર્વશી પરવાની પણ ઉપસ્થિત રહી યુવાનોને આરોગ્યપ્રદ જીવનશૈલી, ફિટનેસ અને રમતગમતના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

‘ફિટ ઈન્ડિયા–નશામુક્ત ભારત’ના સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમ સ્વસ્થ, સશક્ત અને નશામુક્ત યુવા શક્તિના નિર્માણ માટે પ્રેરણાદાયી બન્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande