
સુરત, 09 ઓગસ્ટ (હિ.સ.): ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ એસોસિએશન (ફોસ્ટા) દ્વારા 9 ઓગસ્ટ 2026ના રોજ ડુમસ રોડ સ્થિત અદ્વિતા હોલ ખાતે વાર્ષિક સામાન્ય સભા અને વેપાર વિકાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
ફોસ્ટાના સહસચિવ ગિરીશ મિત્તલે, ઉપસ્થિત મહેમાનો, હોદ્દેદારો અને ટેક્સટાઇલ વેપારીઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ખજાનચી નાનાલાલ રાઠોડે સંસ્થાના આવક-જાવકનો અહેવાલ રજૂ કર્યો હતો અને નાણાકીય વર્ષ 2026-27 માટે સીએ પુનિત ગર્ગની ઓડિટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
સભા દરમિયાન વર્ષ 2026થી 2029 માટે બિનહરીફ ચૂંટાયેલી નવી કાર્યકારિણીની જાહેરાત કરવામાં આવી હતી. નવા પ્રમુખ હંસરાજ જૈન, મહામંત્રી દિનેશ કટારિયા અને ખજાનચી નીરજ અગ્રવાલ સહિતની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ વર્ષ 2023થી 2026 દરમિયાન સંગઠન માટે સેવાઓ આપીને નિવૃત્ત થયેલા હોદ્દેદારોનું પણ સન્માન કરી તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ફોસ્ટાના પૂર્વ કાર્યકાળની કામગીરી, વેપારી હિતમાં કરાયેલા પ્રયાસો અને વિવિધ સિદ્ધિઓને આવરી લેતી વિશેષ પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
વેપાર વિકાસ મહોત્સવ અંતર્ગત યુવા પેઢીને વેપાર, ઉદ્યોગસાહસિકતા અને નવી તકો અંગે માર્ગદર્શન મળે તે હેતુથી ‘સફળતાનો સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં XYXXના ફાઉન્ડર દીપક સેઠિયા કાબરા અને રિગાન ફેશન પ્રાઇવેટ લિમિટેડની કરિશ્મા ધનકાનીએ, પોતાની કારકિર્દી, સંઘર્ષ અને સફળતાના અનુભવો વેપારીઓ તથા યુવાનો સાથે શેર કર્યા હતા. તેમના અનુભવોમાંથી નવી વિચારસરણી, સતત મહેનત, નવીનતા અને બદલાતા વેપારી વાતાવરણ સાથે આગળ વધવા અંગે પ્રેરણા મળી હતી.
કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હાજરી આપી હતી. ફોસ્ટાના ચેરમેન કૈલાશ હાકિમે કપડા બજારમાં આર્થિક ગેરરીતિઓ રોકવા સરકાર અને પોલીસ તંત્ર દ્વારા લેવાયેલા પગલાંની પ્રશંસા કરી હતી. તેમણે નવી ટેક્સટાઇલ પોલિસી અંગે વેપારીઓને માહિતી આપી હતી, તેમજ ફોસ્ટાના એપ અંગે જણાવતાં કહ્યું હતું કે, તેનો વ્યાપક ઉપયોગ થવાથી વેપાર વ્યવસ્થામાં પારદર્શિતા વધશે અને રેફરન્સ આધારિત મજબૂત સિસ્ટમ ઊભી થઈ શકશે.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ વેપારીઓ, વિવિધ વેપારી સંગઠનોના હોદ્દેદારો અને ફોસ્ટાના ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે