પાનોલી ટ્રેન મોત કેસમાં બે આરોપી ઝડપાયા, મોબાઈલ ઝૂંટવવાના પ્રયાસમાં મુસાફરે જીવ ગુમાવ્યો
સુરત, 09 ઓગસ્ટ (હિ.સ.): પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાંથી મુસાફરનો મોબાઈલ ઝૂંટવવાના પ્રયાસમાં થયેલા મોતના કેસમાં ભરૂચ રેલવે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. 4 ઓગસ્ટે 36 વર્ષીય અશોકકુમાર જયસીંગ ગુર્જર ટ્રેનમાં, સુરત આવી રહ્યા હતા ત્યારે પાન
Surat


સુરત, 09 ઓગસ્ટ (હિ.સ.): પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાંથી મુસાફરનો મોબાઈલ ઝૂંટવવાના પ્રયાસમાં થયેલા મોતના કેસમાં ભરૂચ રેલવે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. 4 ઓગસ્ટે 36 વર્ષીય અશોકકુમાર જયસીંગ ગુર્જર ટ્રેનમાં, સુરત આવી રહ્યા હતા ત્યારે પાનોલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પરથી ટ્રેન પસાર થઈ રહી હતી. દરવાજા પાસે બેસીને મોબાઈલ ચલાવી રહેલા અશોકકુમારનો ફોન બે શખ્સોએ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. અચાનક થયેલી ઝાપટના કારણે તેમનું સંતુલન બગડ્યું અને તેઓ ટ્રેનમાંથી નીચે પટકાયા બાદ ટ્રેનની અડફેટે આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઘટનાની તપાસ દરમિયાન રેલવે પોલીસે પાનોલી સ્ટેશન અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસ્યા હતા. શંકાસ્પદ શખ્સોના ફોટા મેળવીને ટ્રેનમાં ફેરી કરતા લોકો તેમજ ભરૂચ અને સુરત વિસ્તારમાં કામ કરતા શ્રમિકો પાસેથી માહિતી એકત્ર કરવામાં આવી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે ઈશ્વર ઉર્ફે જહાંગીર ઉર્ફે સુનીલ નાનાભાઈ બાગુલ (26)ને સુરતના અઠવાલાઈન્સ-નાનપુરા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. તેની પાસેથી અંદાજે રૂ.10 હજારની કિંમતના બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. પૂછપરછમાં તેની સંડોવણી સામે આવ્યા બાદ પોલીસે તેના સાથી રાકેશભાઈ રામદાસભાઈ વસાવા (39), રહેવાસી અંકલેશ્વરની પણ 9 ઓગસ્ટે અટકાયત કરી હતી.

પોલીસ તપાસમાં ઈશ્વર ઉર્ફે જહાંગીર સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અગાઉથી અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. સુરતના ઉધના, કતારગામ, ચોકબજાર અને અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ચોરી તથા ઘરફોડના છ કેસમાં તેની ધરપકડ થઈ ચૂકી છે. મહારાષ્ટ્રના દોંડાઈચા અને નંદુરબાર રેલવે પોલીસ મથકમાં પણ લૂંટ અને ચોરી સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે.

વર્ષ 2023માં સુરત PCB દ્વારા તેને PASA હેઠળ સાબરમતી મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે અન્ય છ મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande