
જામનગર, 09 ઓગસ્ટ (હિ.સ.) :
જામનગર શહેરના સીટી એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ૧૧૨ જનરક્ષક ટીમના પોલીસ કોન્સ્ટેબલ પર, હુમલો કરી સરકારી ફરજમાં રુકાવટ કરવાના બનાવમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે. શુક્રવારે (સાતમી ઓગસ્ટ) પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.
પોલીસમાં નોંધાયેલી વિગત અનુસાર, 112 જનરક્ષક ટીમના પોલીસ કોન્સ્ટેબલ નીલેશ અધેરા અને ડ્રાઇવર અજયસિંહ સોઢા એક મારામારીની ફરિયાદના અનુસંધાને કાલાવડ નાકા બહાર આવેલા બુરહાની પાર્ક વિસ્તારમાં પહોંચ્યા હતા.
આ દરમિયાન મુસ્તુફા મોહમદ વજુગરા અને હાજી વજુગરા નામના બે શખસોએ, પોલીસ સાથે જીભાજોડી કરી સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. આ સાથે જ પોલીસ કોન્સ્ટેબલને ઝાપટ મારી ધમકી આપી ફરજમાં રુકાવટ કરી હતી.
આ બનાવ અંગે સીટી એ-ડિવિઝન પોલીસ મથકે બંને આરોપીઓ વિરૂદ્ધ, ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સીટી એ-ડિવિઝનના પીઆઈ વિપુલસિંહ ડોડિયા, પીએસઆઈ વસંત ગામેતી તથા તેમની ટીમે ગુનાની તપાસ હાથ ધરીને, બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ધરપકડ બાદ પોલીસે આરોપીઓને બનાવના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ત્યારબાદ તેઓને દરબારગઢ પોલીસ ચોકી ખાતે લાવવામાં આવ્યા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન બંને આરોપીઓએ ભવિષ્યમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં કરવાની કબૂલાત કરી હતી. પોલીસે સમગ્ર મામલે આગળની વધુ તપાસ ચાલુ રાખી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt