
ભાવનગર, 09 ઓગસ્ટ (હિ.સ.) ગારિયાધાર તાલુકાની ICDS કચેરી ખાતે, નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘મહિલા, બાળ અને આરોગ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કિશોરીઓના આરોગ્ય અને પોષણને કેન્દ્રમાં રાખી વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કિશોરીઓની હિમોગ્લોબિન તપાસ કરવામાં આવી હતી. સાથે જ માસિક સ્વચ્છતા, વ્યક્તિગત હાઈજીન અને કિશોરાવસ્થામાં જરૂરી આરોગ્ય સંભાળ અંગે જાગૃતિ આપવામાં આવી હતી. કિશોરીઓને સ્વચ્છતા જાળવવા માટે હાઈજીન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી આર.કે. જાખણીયા, ડૉ. દ્રષ્ટિબેન, CDPO કલ્પનાબેન, સુ ગુલાબેન સાવલીયા તેમજ DHEWના મિશન કોઓર્ડિનેટર સંજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
અધિકારીઓ અને નિષ્ણાતોએ કિશોરીઓ સાથે સંવાદ કરી પોષણયુક્ત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા, હિમોગ્લોબિનનું મહત્વ અને સ્વસ્થ જીવનશૈલી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત પૂર્ણા યોજના સહિત મહિલાઓ અને કિશોરીઓ માટે અમલમાં રહેલી વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. મહિલાઓ અને કિશોરીઓ સ્વાવલંબી બને તે માટે ઉપલબ્ધ તકો અંગે પણ માર્ગદર્શન અપાયું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓને કિશોરાવસ્થામાં થતા શારીરિક અને માનસિક ફેરફારો તેમજ જરૂરી આરોગ્યલક્ષી બાબતો અંગે યોગ્ય સમજ આપવાનો અને તેમને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો.
કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમ, CDPO, પૂર્ણા કન્સલ્ટન્ટ, DHEW સ્ટાફ, આંગણવાડી કાર્યકરો અને મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી. નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયેલ, આ કાર્યક્રમ કિશોરીઓના આરોગ્ય, પોષણ અને સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ બન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA