
નવસારી, 09 ઓગસ્ટ (હિ.સ.) : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે 9 ઓગસ્ટે નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ આદિવાસી સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નવસારી શહેર ઉપરાંત ગણદેવી અને જલાલપુર સહિતના વિસ્તારોમાં રેલીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અને ‘જય આદિવાસી’ના નારા સાથે પોતાની એકતા અને અસ્મિતાનું પ્રદર્શન કર્યું હતું.
નવસારી શહેરમાં ફુવારા વિસ્તારથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ હતી. આદિવાસી યુવાનો અને યુવતીઓ પરંપરાગત પોશાકમાં રેલીમાં જોડાયા હતા, જેના પગલે સમગ્ર માર્ગ પર આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. રેલીમાં વિવિધ રાજકીય પક્ષોના આદિવાસી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. નાયકા, હળપતિ, ગામીત સહિતની વિવિધ આદિવાસી સમાજની વ્યક્તિઓએ પણ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિશ્વ આદિવાસી દિવસ દર વર્ષે 9 ઓગસ્ટે ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે 1994માં આ દિવસની સ્થાપના કરી હતી, જેનો મુખ્ય હેતુ આદિવાસી સમુદાયોની સંસ્કૃતિ, પરંપરા અને અધિકારો અંગે વૈશ્વિક જાગૃતિ ફેલાવવાનો છે. આદિવાસી સમાજના આગેવાનોનું માનવું છે કે પરંપરાગત જ્ઞાન, સંસ્કૃતિ અને પર્યાવરણ સાથે જોડાયેલી જીવનશૈલીનું જતન કરવું જરૂરી છે. દિવસ નિમિત્તે વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને જાગૃતિના કાર્યક્રમો યોજીને સમાજની ઓળખ અને વારસાને ઉજાગર કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે