
અમરેલી, 09 ઓગસ્ટ (હિ.સ.) : ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત નાગરિકોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ કેળવવાના હેતુથી જાફરાબાદમાં સાયબર અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, જાફરાબાદ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આ રેલી યોજાઈ હતી.
કોલેજના આચાર્ય ડૉ. વિરલકુમાર શીલુના માર્ગદર્શન હેઠળ તથા NSS પ્રકલ્પ કો-ઓર્ડિનેટર પ્રો. સતિષ મેઘાણીના સંયોજનમાં યોજાયેલી રેલીમાં કોલેજના 38 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી દુકાનદારો તથા સામાન્ય નાગરિકોને સાયબર ફ્રોડથી સાવચેત રહેવા અંગે જાગૃત કર્યા હતા.
રેલી દરમિયાન મોબાઈલ પર આવતા અજાણ્યા વ્યક્તિઓના ફોન, OTP, શંકાસ્પદ લિંક્સ અને ઓનલાઈન છેતરપિંડીથી બચવા અંગે લોકોને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવું અને OTP કે બેંક સંબંધિત ગુપ્ત માહિતી કોઈની સાથે શેર ન કરવી તે અંગે પણ સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દેસાઈએ સાયબર ક્રાઈમ અંગે વિદ્યાર્થીઓ અને નાગરિકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રેલી દ્વારા સાયબર ગુનાઓ સામે સાવચેતી અને જાગૃતિનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai