
સુરત, 09 ઓગસ્ટ (હિ.સ.): નવી સિવિલ હોસ્પિટલના પીજી હોસ્ટેલમાં રહેતા 30 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ 9 ઓગસ્ટે, પોતાના રૂમમાં આપઘાત કરી લેતા હોસ્પિટલ પરિસરમાં શોકની લાગણી ફેલાઈ હતી.
મૂળ મોડાસાના હર્ષ પંડ્યા માઇક્રોબાયોલોજી વિભાગમાં, પ્રથમ વર્ષમાં રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને હોસ્ટેલના B બિલ્ડિંગમાં રહેતા હતા. તેઓ નિયમિત ફરજ પર હાજર ન થતાં સિનિયર તબીબે ફોન કર્યો હતો, પરંતુ ફોન બંધ મળતા સાથી ડોક્ટરને તેમના રૂમ પર તપાસ કરવા મોકલવામાં આવ્યા હતા.
સાથી ડોક્ટર રૂમ સુધી પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. વારંવાર બૂમો પાડવા છતાં કોઈ જવાબ ન મળતાં સિક્યુરિટી સ્ટાફની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો હતો. અંદર હર્ષ પંડ્યા મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા હોસ્ટેલમાં રહેતા અન્ય રેસિડેન્ટ ડોક્ટરો અને સ્ટાફના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.
હર્ષના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સિવિલ હોસ્પિટલના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા પ્રાથમિક તપાસ કમિટી બનાવવામાં આવી છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાથી ડોક્ટરોના જણાવ્યા મુજબ હર્ષ સ્વભાવથી શાંત હતા અને કોઈ વ્યક્તિગત કે માનસિક સમસ્યા અંગે જાણકારી નહોતી, જોકે વિભાગીય કામકાજનું ભારણ કારણભૂત બન્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે