




પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર
મહાનગરપાલિકાના મેયર સાગર મોદીના માર્ગદર્શન હેઠળ અને મ્યુનિસિપલ કમિશ્નર ટી.સી. તીરથાણીની અધ્યક્ષતામાં ભગવાન શ્રી
કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીના પાવન પ્રસંગે શ્રી કૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક
લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આગામી 3 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ચોપાટી મેદાન ખાતે
યોજાનારા આ લોકમેળાને લઈને મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી
રહી છે અને સમગ્ર મેળા પરિસરમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. સુદામાજીના
સખા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીના આ દિવ્ય અને અલૌકિક પ્રસંગને યાદગાર
બનાવવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન માટે આધુનિક સુવિધાઓથી સજ્જ અને ભવ્ય
સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેથી મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ
માણી શકે.
લોકમેળામાં મનોરંજન માટે મોટી ચકડોળ, મોતનો કુવો તેમજ વિવિધ નાની-મોટી રાઈડ્સના આયોજનની તૈયારી થઈ રહી છે.
ખાણીપીણીના વિવિધ સ્ટોલ પણ મેળાનું ખાસ આકર્ષણ બનશે. મેળા પરિસરમાં ભગવાન શ્રી
કૃષ્ણની પ્રતિકૃતિઓ સાથેના આકર્ષક પ્રવેશદ્વાર તૈયાર કરવામાં આવી રહ્યા છે, જ્યારે સુદામાજી અને ભગવાન શ્રી
કૃષ્ણના તૈલીચિત્રો પણ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. પોરબંદર સહિત
સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજ્યભર માંથી મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા આવે તેવી
શક્યતાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા મુલાકાતીઓની સુવિધા અને સલામતી માટે
વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.
પાર્કિંગથી લઈને પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા સહિતની તમામ જરૂરી
વ્યવસ્થાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મેળામાં આવતા લોકોની સલામતી અને
સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા સાથે ટ્રાફિક અને પાર્કિંગનું સુચારુ આયોજન કરવામાં
આવશે. આ ઉપરાંત વીજળી અને લાઈટિંગ, સાઉન્ડ વ્યવસ્થા, ફાયર
સેફ્ટી, પાણી પુરવઠો, સફાઈ-સ્વચ્છતા, આરોગ્ય અને તબીબી સેવાઓ, સીસીટીવી કેમેરા, કંટ્રોલ રૂમ અને સતત મોનીટરીંગ સહિતની
વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે.
મંડપ, સ્ટેજ, બેરીકેટિંગ તેમજ જાહેર જનતાને જરૂરી
માર્ગદર્શન અને અન્ય સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું
છે. મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધી લોકમેળાનું આયોજન
સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી
છે. આમ, પોરબંદરની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને
ઉજાગર કરનાર શ્રી કૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળાને ભવ્ય, સુરક્ષિત અને યાદગાર બનાવવા માટે
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પૂર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya