
- ભાજપ આદિજાતિ મોરચાના પ્રદેશ મંત્રીના પુત્ર મેથ્યુઝ સહિત 3 આરોપીઓની ધરપકડ જયમીન પટેલ ફરાર
ભરૂચ, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા ઝઘડિયા જીઆઈડીસીમાં અસામાજિક તત્વો અને માફિયાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. અગાઉ ત્રણ વર્ષ પહેલા ફાયરિંગ અને વાહનોની તોડફોડ કરીને દહેશત મચાવનાર ટોળકીએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. સ્ટીમ પાઈપલાઈનના 50 લાખના કોન્ટ્રાક્ટમાં નફાના 50 % પ્રોફિટની માંગણી સાથે વાપીના કોન્ટ્રાક્ટરનું થાર ગાડીમાં અપહરણ કરી ધમકી આપવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ મામલે પોલીસે વાલિયા તાલુકાના આદિજાતિ મોરચાના ભાજપના પ્રદેશ મંત્રીના હોદ્દેદારના પુત્ર સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર જયમીન પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વાપી ખાતે રહેતા વિનય ઈન્દ્રજીત યાદવે ઝઘડિયા જીઆઈડીસી સ્થિત 'સ્ટીમ હાઉસ ઈન્ડિયા' કંપનીમાં બોઈલર અને સ્ટીમ પાઈપલાઈન પ્રોજેક્ટનો 50 લાખનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. ગત તારીખ 15 ઓગસ્ટના રોજ બપોરે વિનય યાદવ કંપનીમાં હાજર હતા, ત્યારે એક કાળા રંગની થાર ગાડીમાં આવેલા 3 જેટલા અસામાજિક તત્વો તેમને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને ઉઠાવી ગયા હતા.
હોટલમાં નાસ્તો કરાવ્યો અને પૈસા પણ કોન્ટ્રાક્ટર પાસે કઢાવ્યા
આરોપીઓ કોન્ટ્રાક્ટર વિનય યાદવને ગાડીમાં લઈ ગયા બાદ અપશબ્દો બોલી ધમકી આપી હતી કે, 50 લાખના પ્રોજેક્ટમાં જે પ્રોફિટ મળે તેમાંથી 50 % રકમ ખંડણી પેટે આપવી પડશે. એટલું જ નહીં, આરોપીઓએ તેમને એક હોટલમાં ચા-નાસ્તો કરાવવા લઈ ગયા હતા અને આશ્ચર્યજનક રીતે તે ચા-નાસ્તાના પૈસા પણ કોન્ટ્રાક્ટર પાસે જ યુપીઆઈ મારફતે ચૂકવાવ્યા હતા!
આ મામલે ગભરાયેલા કોન્ટ્રાક્ટરે ઝઘડિયા જીઆઈડીસીમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે ખંડણીના ગુનામાં સંડોવાયેલા નીચે મુજબના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે મેથ્યુઝ શાંતિલાલ વસાવા ,લાલુ ઉર્ફે માયા અંબુ વસાવા અને કિરણ પ્રવિણ વસાવા જ્યારે ખંડણીની મુખ્ય માંગણી કરાવનાર જયમીન રણછોડ પટેલ પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.
ભાજપ નેતાનું પીઠબળ હોવાથી ઝડપાયેલો આરોપી મેથ્યુઝ એસ વસાવા એ ભાજપ આદિજાતિ મોરચાના પ્રદેશ મંત્રી શાંતિલાલ વસાવાનો પુત્ર છે.થોડો સમય પહેલા ભરૂચ એલસીબીએ લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો.ઉપરાંત, ફરાર આરોપી જયમીન પટેલ પણ ભાજપના કાર્યકર તરીકે નેતાઓ સાથેના ફોટોગ્રાફ્સ ધરાવે છે, જેથી તેને રાજકીય પીઠબળ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
અગાઉ પણ ફાયરિંગ, તોડફોડ અને મારામારીનો મામલે પોલીસે ધરપકડ કરી હતી.વર્ષ 2023માં પણ ઝઘડિયા જીઆઈડીસીમાં કંપનીઓનો કોન્ટ્રાક્ટ હડપવા બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. જેમાં 10 રાઉન્ડ ફાયરિંગ અને 10થી વધુ વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. તે ગૅંગવોરમાં પણ અંકલેશ્વરના જયમીન પટેલની સંડોવણી સામે આવી હતી અને તેની ધરપકડ થઈ હતી, છતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ જ રહી છે.
ઉદ્યોગનગરીમાં ભયનું વાતાવરણ ઊભું થઈ ગયું છે .જે ઔદ્યોગિક વસાહત રોજગારીનું સર્જન કરવા માટે જાણીતી છે, તે ઝઘડિયા જીઆઈડીસીમાં આજે અસામાજિક તત્વો, ખંડણીખોરો અને ગેંગવોરના ખોફના છાયા હેઠળ સપડાઈ ગઈ છે. સ્થાનિક ઉદ્યોગપતિઓ અને કોન્ટ્રાક્ટરોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ બાબતે ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણા સાથે ટેલિફોનીક સંપર્ક કરતા જણાવેલ આ ફરિયાદ સેન્સિટિવ છે.તેમાં ભારતીય ન્યાય સંહિતા 308 ( 5 ) અને 140 ( 2 ) આ બે કલમો હેઠળ ગુનો દાખલ થયો છે .આમાં અન્ય એક ધવલ પટેલ પણ સામેલ છે .
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ