
જામનગર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગરના નવા ફ્લાયઓવર બ્રિજ પર પૈસાની લેતીદેતીના જૂના મનદુઃખને લીધે કોન્ટ્રાક્ટર પર જીવલેણ હુમલો કરી ખૂનની કોશિશ કરવામાં આવી હતી. શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા કોન્ટ્રાક્ટર પ્રકાશ મગનભાઈ ગોહીલ ગત 20 ઓગસ્ટે બપોરે પોતાની કાર લઈને ખોડીયાર કોલોની તરફથી સાત રસ્તા નવા ફ્લાયઓવર બ્રિજ પર જઈ રહ્યા હતા.
આ દરમિયાન જકાતનાકા વળાંક પાસે હાજી હમીર ખફી ઉર્ફે લાંબો અને શિવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ પોતાની ફોચ્ર્યુનર કાર તેમની કાર આગળ ડિવાઇડર સાથે અથડાવીને રોકી દીધી હતી. ત્યારબાદ બંને શખ્સોએ ફિલ્મી સ્ટાઇલમાં નીચે ઉતરી પૈસા બાબતે ગાળો આપી લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો.
આ હુમલા દરમિયાન સ્કૂટર પર બે અજાણ્યા શખ્સો લાકડાના ધોકા સાથે આવી પહોંચ્યા હતા અને ચારેય જણાએ ભેગા મળી કોન્ટ્રાક્ટર પર બેફામ માર માર્યો હતો. હુમલામાં માથું ફાટી જતાં અને હાથ-પગ તથા કમરના ભાગે ગંભીર ઈજાઓ થતાં પ્રકાશભાઈને 108 મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડાયા હતા.
આ મામલે સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ જામનગર એલ.સી.બી.ની ટીમે તપાસ હાથ ધરી મુખ્ય આરોપી હાજી હમીર ખફી અને શિવરાજસિંહ ઉર્ફે શીવો નરેન્દ્રસિંહ જાડેજા ની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓને અદાલતમાં રજૂ કરતાં કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt