

પાટણ, 10 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘અંડરસ્ટેન્ડિંગ જેન્ડર એન્ડ ધ પોશ એક્ટ, 2013’ વિષય પર સેમિનાર યોજાયો હતો. કન્વેન્શન હોલમાં યોજાયેલા કાર્યક્રમનો હેતુ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતા, સુરક્ષા અને ગૌરવપૂર્ણ વાતાવરણ ઊભું કરવાનો હતો. સેમિનારમાં જેન્ડર સંબંધિત મુદ્દાઓ તેમજ કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત કાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેમિનારમાં પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જ્યોત્સના નાથ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે PDPU, ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અર્ચના વસુંદેવે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. વાઇસ ચાન્સેલર પ્રો. કે. સી. પોરિયા, રજિસ્ટ્રાર ડૉ. આર. એન. દેસાઈ અને SETU પ્રોગ્રામના નોડલ ઓફિસર પ્રો. કોકિલા પરમારની ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આયોજન સમિતિમાં ડૉ. હરેશ ચૌધરી, ડૉ. રિગ્નેશ પટેલ, ડૉ. પાર્થ બારોટ અને સુરેશ પ્રજાપતિનો સમાવેશ થયો હતો. સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને POSH કાયદા, તેમના અધિકારો અને જવાબદારીઓ અંગે ઉપયોગી માહિતી મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ