જામનગરમાં ખાણ-ખનિજ વિભાગની કાર્યવાહી: 5 ડમ્પર સાથે રૂ.1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત
જામનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની સૂચના હેઠળ ખાણ-ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે અને બિનઅધિકૃત ખનિજ વહન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બે દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં નિયમોનું ઉલ્લંઘન કરતા કુલ પાંચ ડમ્પર ઝડપ
ખાણ ખનીજ વિભાગના દરોડા


જામનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની સૂચના હેઠળ ખાણ-ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે અને બિનઅધિકૃત ખનિજ વહન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બે દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં નિયમોનું ઉલ્લંઘન કરતા કુલ પાંચ ડમ્પર ઝડપી પાડીને આશરે રૂ.1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેનાથી ગેરકાયદે ખનિજ ચોરી અને પરિવહન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ભૂસ્તરશાસ્ત્રીની ટીમે 9 સપ્ટેમ્બરના રોજ ઢીંચડા રોડ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સિલિકા સેન્ડ ખનિજનું બિનઅધિકૃત રીતે વહન કરતા ત્રણ ડમ્પર મળી આવતા તેને જપ્ત કરવામાં આવ્યા હતા.

ત્રણેય ડમ્પરની અંદાજિત કિંમત સહિત રૂ.1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદાકીય કાર્યવાહી માટે જામનગર સીટી-સી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો. આ સિવાય 8 સપ્ટેમ્બરના રોજ દરેડ જીઆઈડીસી વિસ્તારમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું ઓવરલોડ પરિવહન કરતા બે ડમ્પર ઝડપાયા હતા.

આ બંને ડમ્પર સહિત રૂ.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પંચકોશી-બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો. આમ, માત્ર બે દિવસમાં જ ખાણ-ખનિજ વિભાગ દ્વારા બે અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ પાંચ ડમ્પર અને રૂ.1.80 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે વિભાગ દ્વારા આગળની કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande