કોળિયાક ખાતે ભાદરવી અમાસનો મેળો : શ્રદ્ધા, ભક્તિ અને સેવાભાવનો સંગમ
ભાવનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે દરિયા કિનારે આવેલા પવિત્ર નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે તા. ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ ભાદરવી અમાસનો મેળો યોજાશે. મેળામાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની સંભાવના છે. જેને લઈને
નિષ્કલંક મહાદેવ કોળીયાક


ભાવનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે દરિયા કિનારે આવેલા પવિત્ર નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે તા. ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ ભાદરવી અમાસનો મેળો યોજાશે. મેળામાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની સંભાવના છે. જેને લઈને કોળિયાક તીર્થધામમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

મેળામાં આવતા ભાવિકોની સુવિધા અને સેવા માટે મત્સ્યોદ્યોગ મંત્રી પરશોત્તમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી દ્વારા વિવિધ સેવાકીય આયોજન કરવામાં આવ્યા છે. ભાવિકોને પ્રસાદીરૂપે લાડુનું વિતરણ કરવા માટે આશરે ૫ ટન જેટલી લાડુ પ્રસાદી તૈયાર કરવામાં આવશે. રાત્રિના સમયે દર્શનાર્થીઓ માટે એલ.ઈ.ડી. સ્ક્રીન પર ધાર્મિક ચલચિત્રોના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સેવા, સરભરા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રની ટીમ સાથે કોળી સેનાના સ્વયંસેવક યુવાનો પણ સેવા માટે તૈનાત રહેશે. દરિયામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તરવૈયાઓની ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમજ મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે વિશેષ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવશે.

આ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા મેળામાં આવતા ભાવિકો માટે ચા-પાણી, નાસ્તો અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં આવનારા શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

કોળી સેનાની ટીમોને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને જરૂરિયાત મુજબ મદદ અને સહયોગ પૂરો પાડવા સૂચના આપવામાં આવી છે. આમ, નિષ્કલંક મહાદેવના પાવન સાનિધ્યમાં યોજાનારો ભાદરવી અમાસનો મેળો આસ્થા સાથે સેવાભાવ અને માનવસેવાનો સંગમ બની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande