
- ભાવનગર–સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસને બે દિવસ માટે હંગામી ધોરણે સ્ટોપેજ, ત્રણ પેસેન્જર ટ્રેનોના સ્ટોપેજના સમયમાં પણ વધારો.
ભાવનગર 10 સપ્ટેમ્બર (હિ.સ.) : ભીમનાથ ખાતે યોજાનાર “ભીમનાથ મહાદેવ ધાર્મિક મેળા”માં આવનારા-જનારા શ્રદ્ધાળુઓની સુવિધા તેમજ સુગમ રેલ આવાગમનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભીમનાથ રેલવે સ્ટેશન પર વિશેષ યાત્રી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ અંતર્ગત ભાવનગર મંડળમાંથી પસાર થતી ભાવનગર–સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસને ભીમનાથ સ્ટેશન પર બે દિવસ માટે હંગામી ધોરણે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. સાથે જ, ત્રણ પેસેન્જર ટ્રેનોના સ્ટોપેજના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
મંડળ રેલ પ્રબંધક, ભાવનગર, દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ ભાવનગર મંડળ દ્વારા મેળા દરમિયાન યાત્રિયો તથા શ્રદ્ધાળુઓની સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 20965/20966 ભાવનગર–સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસને 11 સપ્ટેમ્બર 2026 (શુક્રવાર)થી 12 સપ્ટેમ્બર 2026 (શનિવાર) સુધી ભીમનાથ સ્ટેશન પર હંગામી ધોરણે સ્ટોપેજ આપવામાં આવશે. ધાર્મિક મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સંભવિત વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત, ભીમનાથ સ્ટેશન પર નીચેની પેસેન્જર ટ્રેનોના સ્ટોપેજનો સમય 1 મિનિટથી વધારીને 2 મિનિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે:
• 59237/59238 ગાંધીગ્રામ–બોટાદ–ગાંધીગ્રામ દૈનિક પેસેન્જર
• 59553/59554 ગાંધીગ્રામ–બોટાદ–ગાંધીગ્રામ દૈનિક પેસેન્જર
• 59555/59556 ગાંધીગ્રામ–બોટાદ–ગાંધીગ્રામ દૈનિક પેસેન્જર
રેલવેની આ વિશેષ વ્યવસ્થાથી ભીમનાથ મહાદેવ ધાર્મિક મેળામાં આવનારા શ્રદ્ધાળુઓને ભીમનાથ સ્ટેશન પર વધુ સારી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. આથી મુસાફરોને મેળામાં આવવા-જવા માટે રેલ સેવાનો વધુ સરળ અને સુવિધાજનક વિકલ્પ મળશે.
પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ દ્વારા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોના પ્રસંગે મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સમયાંતરે આ પ્રકારની મુસાફર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી મુસાફરોને સુરક્ષિત, સુગમ અને વધુ સારી રેલ મુસાફરીનો અનુભવ મળી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ