
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર (હિ.સ.). ભારતમાં 12-13 સપ્ટેમ્બરના રોજ યોજાનારા બ્રિક્સ શિખર સંમેલનને લઈને રાજકીય નિવેદનબાજી તેજ બની ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ દ્વારા બ્રિક્સથી ભારતને થયેલા નક્કર લાભ પર સવાલ ઉઠાવવામાં આવ્યા બાદ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પલટવાર કર્યો છે. ભાજપે કહ્યું કે, કોંગ્રેસ અને તેના નેતાઓએ વિરોધની રાજનીતિથી ઉપર ઉઠીને ભારતની પ્રગતિનું સ્વાગત કરવું જોઈએ.
ભાજપના રાષ્ટ્રીય મીડિયા સહ-સંયોજક આશિષ ઉષા અગ્રવાલે એક્સ પોસ્ટમાં ચિદમ્બરમ પર કટાક્ષ કરતા કહ્યું કે, ભારત બ્રિક્સ જેવા મહત્વપૂર્ણ વૈશ્વિક મંચની યજમાની કરી રહ્યું છે અને દુનિયા ભારતની વધતી તાકાત અને ભૂમિકાને સ્વીકારી રહી છે, પરંતુ કોંગ્રેસને ઉપલબ્ધિને બદલે ફક્ત સવાલો દેખાઈ રહ્યા છે. તેમણે ચિદમ્બરમને નિવેદન આપતા પહેલા આંકડાઓ પર નજર નાખવાની વાત કહી.
ભાજપ નેતાએ દાવો કર્યો કે, બ્રિક્સમાં ભારતનો વેપાર અને પ્રભાવ સતત વધી રહ્યો છે અને દેશ હવે દુનિયાની આગલી હરોળમાં જ નહીં, પરંતુ નેતૃત્વની હરોળમાં ઊભો છે. તેમણે જી-20, 5-જી અને ડિજિટલ ક્રાંતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોંગ્રેસની જૂની આદત રહી છે કે ભારત આગળ વધે તો સવાલો ઉઠાવવામાં આવે અને દુનિયા ભારતનું સન્માન કરે તો તેના પર પણ શંકા કરવામાં આવે.
ચિદમ્બરમે કહ્યું હતું કે, તેમને છેલ્લા બે-ત્રણ બ્રિક્સ સંમેલનોથી કોઈ ખાસ નક્કર ફાયદો કે પરિણામ દેખાયું નથી. તેમણે બ્રિક્સની સાથે-સાથે જી-20, એસસીઓ અને ક્વાડ જેવા બહુપક્ષીય સમૂહોમાં ભારતની ભાગીદારીના લાભ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
આ ઉપરાંત, ભારતની બ્રિક્સ અધ્યક્ષતા દરમિયાન વેપાર અને આર્થિક સહયોગને લઈને અનેક પહેલ થઈ છે. ઓગસ્ટમાં જયપુરમાં યોજાયેલી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠકમાં બ્રિક્સ ઇકોનોમિક પાર્ટનરશિપ 2030ની રણનીતિને અંતિમ રૂપ આપવાની દિશામાં પ્રગતિ થઈ છે. આ ઉપરાંત MSME માટે વેપાર નાણાં વધારવા જેવા મુદ્દાઓ પર સહમતિ બની હતી.
અગ્રવાલે કોંગ્રેસને મોદી સરકારનો વિરોધ કરતા-કરતા દેશની ઉપલબ્ધિઓનો વિરોધ ન કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, વિરોધની રાજનીતિથી ઉપર ઉઠીને ભારતની પ્રગતિનું સ્વાગત કરવું જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / સૌરવ રાય / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ