
જામનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી આગામી 6 ઓક્ટોબરે યોજાવા જઈ રહી છે. સમિતિના કુલ 12 સભ્યોની પસંદગી માટે આ પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેને લઈને સ્થાનિક રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં હાલની રાજકીય સ્થિતિને જોતા સત્તાધારી ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગી માટેની અંતિમ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં ઉમેદવારી પત્રો ભરવા તેમજ ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જો વિરોધ પક્ષ કે અન્ય કોઈ દાવેદારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં નહીં આવે, તો આ તમામ 12 સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નવું માળખું અસ્તિત્વમાં આવશે. ત્યારબાદ આ નવી ગઠિત સમિતિ જામનગર શહેરની તમામ પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને વહીવટી પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા માટે વિવિધ કાર્યો હાથ ધરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt