
ભાવનગર,10 સપ્ટેમ્બર (હિ.સ.)વિકાસશીલ તાલુકો-ઘોઘાની ગ્રાન્ટમાંથી મોબાઇલ હેલ્થ યુનિટ-ઘોઘા માટે મંજૂર કરવામાં આવેલી ગ્રાન્ટ હેઠળ રૂ.૨૦ લાખના ખર્ચે ખરીદવામાં આવેલી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી એમ્બ્યુલન્સના કારણે ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સરળતાથી અને અસરકારક રીતે પહોંચાડવામાં મદદ મળશે.
એમ્બ્યુલન્સનું લોકાર્પણ ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુજાનસિંહ ગોહિલ, કારોબારી ચેરમેન, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તેમજ જિલ્લા પંચાયતના અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
ઘોઘા તાલુકામાં અનેક ગામો ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં આવેલા હોવાથી આરોગ્યલક્ષી સેવાઓ લોકો સુધી પહોંચાડવા માટે મોબાઇલ હેલ્થ યુનિટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. નવી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થતાં આરોગ્ય કર્મચારીઓ અને તબીબી ટીમને વિવિધ ગામોમાં વધુ સુવિધા સાથે પહોંચીને જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં સરળતા રહેશે.
મોબાઇલ હેલ્થ યુનિટ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય તપાસ, પ્રાથમિક સારવાર, જરૂરી તબીબી માર્ગદર્શન સહિતની સેવાઓ પહોંચાડવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર સારવાર મળી રહે તેમજ આરોગ્યલક્ષી કામગીરીનો વ્યાપ વધે તે માટે આ વાહન ઉપયોગી સાબિત થશે.
રૂ.૨૦ લાખના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવેલી આ એમ્બ્યુલન્સ ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે આરોગ્ય ક્ષેત્રે વધુ એક સુવિધાનો ઉમેરો છે. તાલુકાના દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને આરોગ્ય સેવાઓ માટે વધુ સરળ પહોંચ મળી રહે અને મોબાઇલ હેલ્થ યુનિટની કામગીરીને વેગ મળે તે દિશામાં આ વ્યવસ્થા મહત્વપૂર્ણ બની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA