
મહેસાણા, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે 9 સપ્ટેમ્બરના રોજ જિલ્લા ટ્રાફિક પોલીસ મહેસાણા તથા આર.ટી.ઓ. મહેસાણા દ્વારા યુનિવર્સિટીની બસના ડ્રાઈવરો માટે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ બસ ડ્રાઈવરોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવાનો અને અકસ્માતોની ઘટનાઓને અટકાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન બસ ચાલકોને વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને વાહનની ગતિ નિયંત્રણમાં રાખવા, ઓવરટેક કરતી વખતે સાવચેતી રાખવા, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા તેમજ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા અંગે સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવા તથા ડ્રાઈવરોએ હંમેશાં જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. માર્ગ પર અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સલામતીનું પણ ધ્યાન રાખવા જણાવાયું હતું.
જિલ્લા ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. વિભાગ દ્વારા સમયાંતરે આવા જાગૃતિ કાર્યક્રમો યોજી વાહનચાલકોને ટ્રાફિક નિયમો અંગે માહિતગાર કરવામાં આવે છે. ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યુનિવર્સિટીના બસ ડ્રાઈવરો સહિત સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR