સુરતમાં 12 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
ટ્રાફિકના પેન્ડિંગ ઈ-ચલણ સહિત સમાધાનપાત્ર કેસોનો નિકાલ કરાવવા નાગરિકોને અપીલ
સુરતમાં 12 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે


સુરત, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : સુરત જિલ્લા કોર્ટ ખાતે આગામી 12 સપ્ટેમ્બર, 2026ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી (નાલસા) અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરિટી (સાલસા)ના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ લોક અદાલતમાં ટ્રાફિકના પેન્ડિંગ તથા સમાધાનપાત્ર ઈ-ચલણ સહિત વિવિધ કેસોનો નિકાલ કરવામાં આવશે.

સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ રાકેશ ગુપ્તાએ પત્રકાર પરિષદમાં નાગરિકોને લોક અદાલતનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોક અદાલતનો મુખ્ય હેતુ સમાધાનપાત્ર કેસોનો સરળતાથી નિકાલ લાવવાનો છે. તેમાં મુખ્યત્વે ટ્રાફિક ઈ-ચલણ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના કેસો, વૈવાહિક વિવાદ સહિતના કેસોનો સમાવેશ થાય છે.

અગાઉ ઈ-ચલણ પોર્ટલ પર વધુ પડતા ભારને કારણે કેટલીક તકનિકી મુશ્કેલીઓ ઊભી થઈ હતી. જોકે હવે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી)નું ઈ-ચલણ પોર્ટલ સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયું છે. પરિણામે નાગરિકો હવે ઘરે બેઠા ઓનલાઈન પોતાના ઈ-ચલણનો દંડ સરળતાથી ભરી શકશે.

આ ઉપરાંત નાગરિકો સુરત પોલીસ કમિશનર કચેરી અથવા જિલ્લા કોર્ટ ખાતે રૂબરૂ જઈને પણ આ સુવિધાનો લાભ લઈ શકશે. જૂના ચલણોની ઓફલાઈન ભરપાઈ માટે પણ પોલીસ કમિશનર કચેરી તથા લોક અદાલતના દિવસે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.

ટ્રાફિક શાખાના ભાનુબેન રબારીએ નાગરિકોને રાષ્ટ્રીય લોક અદાલતમાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લઈ સમાધાન શુલ્ક ભરી પોતાના પેન્ડિંગ ચલણોનો નિકાલ કરાવવા અનુરોધ કર્યો હતો.

ટ્રાફિક શાખાના ઈ-ચલણ વિભાગના જિજ્ઞાશાબેને જણાવ્યું હતું કે, નેક્સ્ટ જનરેશન ઈ-ચલણ પ્રણાલીના સુધારાને કારણે 12 ઓગસ્ટથી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ બંધ હતી, જે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સુરત ટ્રાફિક શાખાના સંકલનથી 8 સપ્ટેમ્બરથી ફરી શરૂ કરવામાં આવી છે. હવે વાહનચાલકો ઓનલાઈન પોર્ટલ મારફતે સરળતાથી દંડ ભરી શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande