


પાટણ, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. રાજ્યપાલે ખેડૂતોને રાસાયણિક ખેતીથી દૂર રહી પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતીને ધરતી, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ સાથે જોડાયેલો સંકલ્પ ગણાવ્યો હતો.
રાજ્યપાલે ખેડૂતો સાથે સીધો સંવાદ કરી પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક સમજ અને પોતાના અનુભવો રજૂ કર્યા હતા. તેમણે શરૂઆતમાં ખેતરના ચોથા ભાગમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી અનુભવ મેળવ્યા બાદ સમગ્ર ખેતરમાં તેનો વિસ્તાર કરવા સૂચન કર્યું હતું. તેમજ પ્રાકૃતિક ખેતી અને મોંઘી ઓર્ગેનિક ખેતી વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો હતો.
જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાએ પાટણ જિલ્લાને પ્રાકૃતિક ખેતીનું રોલ મોડેલ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં 25 હજારથી વધુ ખેડૂતો 35,500 એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને ચાલુ વર્ષે વધુ 20 હજાર ખેડૂતોને જોડવાનો લક્ષ્યાંક છે. કૃષિ સખી, CRP અને ખેડૂત મિત્રો દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે.
કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલે APMC ખાતે કાયમી પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું અને ખેડૂતોના સ્ટોલની મુલાકાત લીધી હતી. શાળાઓમાં પણ પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા કિચન ગાર્ડન વિકસાવવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું હતું. મધ્યાહન ભોજન સંચાલકો અને આચાર્યોને આ અંગે તાલીમ આપવામાં આવી રહી છે.
પરિસંવાદમાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. શંખેશ્વર તાલુકાના ટુવડ ગામના ખેડૂત ડી.કે. રાવલ (રથવી) તથા પાટણ તાલુકાના મહિલા ખેડૂત હસુમતીબેનનું સન્માન કરાયું હતું. કાર્યક્રમના અંતે સંયુક્ત ખેતી નિયામક કે.એસ. પટેલે આભારવિધિ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ