
ભાવનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગરમાં પર્યુષણ મહાપર્વના પવિત્ર દિવસોમાં અહિંસા, જીવદયા અને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપતી પહેલ કરવામાં આવી છે. સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશી દ્વારા સંચાલિત “Joy of Giving Project” અંતર્ગત ગુજરાતભરના 10 હજાર વિદ્યાર્થીઓને 10 હજાર રીફિલ કરેલી પેનો અને 10 હજાર રિસાયકલ પેન્સિલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલને આચાર્ય હેમચંદ્રસૂરિશ્વરી મહારાજ સાહેબના આશીર્વાદ તથા આચાર્ય રાજહંસસૂરિશ્વર મહારાજની પ્રેરણા પ્રાપ્ત થઈ છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 15 લાખ જૂની પેનો એકત્રિત કરી તેને રીફિલ કરીને પુનઃઉપયોગમાં લેવામાં આવી છે. જેના માધ્યમથી ભારતભરના અંદાજે 3 લાખ 75 હજાર વિદ્યાર્થીઓ સુધી શૈક્ષણિક સામગ્રી પહોંચાડવામાં આવી છે. સામાન્ય રીતે ઉપયોગ બાદ કચરામાં ફેંકી દેવામાં આવતી પ્લાસ્ટિકની પેનને ફરી ઉપયોગમાં લેવાથી પ્લાસ્ટિક કચરો ઘટાડવાની સાથે પાણી, ઊર્જા અને કુદરતી સંસાધનોના સંરક્ષણનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં “Reuse – Recycle – Reduce”ની જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ડૉ. તેજસ દોશીએ જણાવ્યું કે, નકામી લાગતી જૂની પેન કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થી માટે શિક્ષણનું મહત્વનું સાધન બની શકે છે. તેમણે લોકોને જૂની પેનો કચરામાં ન ફેંકી એકત્રિત કરી રીફિલ કરાવી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા સહયોગ આપવા અપીલ કરી હતી.
આ રીતે એક નાનકડી પેનના પુનઃઉપયોગથી પર્યાવરણ સંરક્ષણ સાથે શિક્ષણ અને જીવદયાનો સંદેશ પણ સમાજ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA