રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તા. 21 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાત લેશે
- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર “૭૨માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહ”ની કરશે અધ્યક્ષતા - મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે ગાંધીનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ આકાર લેવા જઈ ર
ફાઈલ ફોટો : રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ


- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર “૭૨માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહ”ની કરશે અધ્યક્ષતા

- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે

ગાંધીનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ આકાર લેવા જઈ રહી છે. ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવા ‘૭૨માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ’નું આયોજન ઇતિહાસમાં પ્રથમ વખત દેશની રાજધાની નવી દિલ્હીની બહાર, ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાનિધ્યમાં યોજાવા જઈ રહ્યું છે.

પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. ૨૨ સપ્ટેમ્બરે આ ગૌરવવંતા રાષ્ટ્રીય સમારોહની અધ્યક્ષતા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભારતીય ફિલ્મ જગતના નામાંકિત કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ અને ટેકનિશિયનો સહિત વિવિધ કલા-કસબીઓ આ સમારોહમાં સહભાગી થશે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાષ્ટ્રપતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં હાજરી આપવાની સાથે સાથે રાજ્યના અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.

કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ તમામ આયોજનો અને તૈયારીઓ અંગે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમને યાદગાર બનાવવા માટે તમામ જરૂરી વહીવટી અને આયોજનબદ્ધ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande