
પાટણ, 10 સપ્ટેમ્બર (હિ.સ.) હારિજની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય ડૉ. ટી.પી. આનંદના માર્ગદર્શન અને ડૉ. દક્ષા મહેતાના આયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા તેમજ જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાનો હતો.
મનોવિજ્ઞાન વિભાગના પ્રોફેસર આરતી જોશીએ વિદ્યાર્થીઓને આત્મહત્યાના વિચારો પાછળ રહેલા માનસિક અને સામાજિક કારણો અંગે સમજ આપી હતી. તેમણે જીવનમાં આવતી મુશ્કેલીઓ કાયમી ન હોવાનું જણાવી, મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવાર, મિત્રો, શિક્ષકો અથવા નિષ્ણાતની મદદ લેવી જરૂરી હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માનસિક તણાવ, એકલતા, નિરાશા અને પરીક્ષાના તણાવનો હકારાત્મક રીતે સામનો કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું.
વિદ્યાર્થીઓને પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરવા, જરૂરિયાતના સમયે મદદ માંગવા અને આસપાસના લોકોની લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ બનવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ‘જીવન અમૂલ્ય છે’નો સંદેશ સમાજ સુધી પહોંચાડવા તથા જરૂરિયાતમંદ વ્યક્તિને સમયસર મદદ અને સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ સફળ રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ