
પોરબંદર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરના
માધવપુર ગામમાં જુના સરકારી
દવાખાના સામે પોરબંદર સોમનાથ નેશનલ હાઇવે પર બસની અડફેટે સ્કુટી સવાર મહિલાનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા સહિત શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચી હતી.
પોલીસ ફરિયાદ મુજબ માધવપુર બસ સ્ટેન્ડ સામે રહેતા અરવિંદભાઈ ડાયાભાઈ ભુવાના પત્ની હંસાબેન સ્કૂટી લઈને વાડી તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેઓ જૂના સરકારી દવાખાના સામે ડિવાઇડર વચ્ચેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા.આ દરમિયાન પોરબંદર તરફથી સોમનાથ તરફ જઈ રહેલી બસના ચાલકે પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક બસ હંકારી હંસાબેનની સ્કુટીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાનો ફરીયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
અકસ્મતમાં હંસાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે અરવિંદભાઈ ભુવાની ફરિયાદના આધારે માધવપુર પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya