
જામનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના ડીવાઇન હોસ્પિટલ પાછળ આવેલા રીઘ્ધિ-સિઘ્ધિ એપાર્ટમેન્ટમાં પાનની પીચકારી મારવાના મામલે થયેલી બોલાચાલીમાં એક મજૂર પર ત્રણ શખ્સોએ ઘરમાં ઘૂસી છરી, કુહાડી અને ધોકા વડે હુમલો કર્યો છે. આ લોહિયાળ ઝઘડામાં મજૂરને જમણા હાથમાં ફ્રેક્ચર અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા સીટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
ઇસ્માઇલ કાસમભાઈ સીપાઈ નામના વ્યક્તિ પોતાના ઘરે હાજર હતા ત્યારે ઇરફાન આરબ અને સાહિલ ઉર્ફે બોદુ નામના શખ્સો તેમના ઘરે પહોંચ્યા હતા. આરોપીઓએ 'અમારા ઘરે કેમ પાનની પીચકારી મારે છે?' તેમ કહીને તકરાર શરૂ કરી હતી. ઇસ્માઇલે આ વાતનો ઇનકાર કરતા બંને શખ્સોએ ગાળો આપી હતી અને ઇરફાને છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે ઇસ્માઇલની પત્ની વચ્ચે પડતા ઇસ્માઇલે ઇરફાન પાસેથી છરી ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો હતો, જે દરમિયાન થયેલી ઝપાઝપીમાં ઇરફાનને જ છરી વાગતા લોહી નીકળ્યું હતું.
ત્યારબાદ ઇસ્માઇલ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે સાહિલ અને તેના મામા મમલાએ કુહાડી તથા ધોકા વડે તેમના પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ઇસ્માઇલને જમણા હાથમાં કોણીથી નીચેના ભાગે ફ્રેક્ચર થયું હતું અને જમણા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે સીટી ‘બી’ ડિવિઝન પોલીસે ઇરફાન આરબ, સાહિલ ઉર્ફે બોદુ અને મમલા સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt