
કિન્શાસા (કાંગો), નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.) આફ્રિકી દેશ કાંગોના પૂર્વીય ભાગમાં આવેલા બુકાવુ શહેરમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 27 બાળકો (19 છોકરીઓ અને 8 છોકરાઓ)ના મોત થયા છે. આગમાં 300 ઘર અને બે શાળા રાખ થઈ ગયા. સુદ-કિવુ પ્રાંતની રાજધાની બુકાવુ પર રવાન્ડાની સેના અને તેના એમ23 મિલિશિયાનો કબજો છે. કાંગો લોકતાંત્રિક ગણરાજ્યની સત્તાવાર સરકારી સમાચાર એજન્સી 'એજન્સ કાંગોલીઝ ડી પ્રેસે (એસીપી)' દ્વારા 10 સપ્ટેમ્બરના રોજ પ્રસારિત રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી.
એસીપીએ જણાવ્યું કે, હોસ્પિટલ અને શાળાના સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, 29 લોકો ઘાયલ પણ થયા છે. તેમાંથી 17ની સારવાર કદુતુ જનરલ હોસ્પિટલમાં અને 12ની સારવાર કદુતુ પ્રોવિન્શિયલ જનરલ રેફરલ હોસ્પિટલમાં ચાલી રહી છે. શાળાના સૂત્રો અનુસાર, 300થી વધુ ઘરોમાં આગ લગાડવામાં આવી હતી. બે શાળાઓ - બાગીરા કમ્યુનમાં ઇપી મોસાલા અને કદુતુ કમ્યુનમાં ઇપી નોંગોં પણ પ્રભાવિત થઈ છે. આગ કેવી રીતે લાગી, તેના ચોક્કસ કારણો તરત જાણી શકાયા નથી.
સૂત્રોએ જણાવ્યું કે, આગ ત્રણ રસ્તાઓ - કાશેકે, લુગુલુ અને એલિલા સુધી ફેલાઈ ગઈ છે. મૃત્યુઆંક વધી શકે છે. એક સ્થાનિક નિવાસીએ કહ્યું, અમને ખબર નથી કે બુકાવુમાં શું થઈ રહ્યું છે. એક મહિનાની અંદર આગ લાગવાની 18 ઘટનાઓમાં 50થી વધુ લોકોના મોત થયા છે. અમને સરકારની મદદની જરૂર છે. શાળાનું નવું સત્ર શરૂ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં અમને ખબર નથી કે અમે બાળકો સાથે રાત ક્યાં વિતાવીશું.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ