


- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ
ગાંધીનગર, 12 સપ્ટેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અવસરે વિશાળ જન મેદનીને સંબોધતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગાંધીનગર અનેક વર્લ્ડક્લાસ ઈવેન્ટનું પણ યજમાન બનતું રહે છે,એટલું જ નહિ વડાપ્રધાનના દિશા દર્શનમાં તૈયાર થયેલું ગિફ્ટ સિટી પણ વર્લ્ડ ક્લાસ ફીન ટેક હબ બન્યું છે
આ સંદર્ભમાં તેમણે વાયબ્રન્ટ સમિટ જેવી ગ્લોબલ ઈવેન્ટમાં આવતા વિશ્વના દેશોના લોકો સમક્ષ ગાંધીનગરની વિશેષ ઓળખ ઉભી થાય તેવા આઈકોનિક કામોને પણ પ્રાયોરિટી આપતા કેટલાક કુલ 48.26 કરોડ રૂપિયાના નવા કામોની જાહેરાત કરી હતી.
ગાંધીનગરમાં આજે વિકાસનો ઉત્સવ છવાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં ગાંધીનગરને કુલ રૂ.1848 કરોડના જનહિતલક્ષી વિકાસ કામોની ભેટ આપી આપી હતી.
જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના રૂ. 798 કરોડ તેમજ માર્ગ અને મકાન હસ્તકના રૂ. 1050 કરોડ એમ કુલ રૂ.1848 કરોડના વિવિધ પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા વિકાસને હંમેશાં સામાન્ય અને છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખીને આગળ ધપાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન વડોદરાથી રૂ. 34,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોની ભેટ ગુજરાતને મળી હોવાનું તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યમંત્ર ‘નાગરિક દેવો ભવ’ રહ્યો છે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતની જનતાએ જે વિશ્વાસ સરકાર પર મૂક્યો છે, તેનું વળતર પ્રજાની સુખાકારી અને વિકાસનાં કાર્યો દ્વારા આપવામાં આવ્યું છે. સરકારની દરેક યોજના અને વિકાસકાર્યના કેન્દ્રમાં સામાન્ય માણસ, ગરીબ અને છેવાડાનો નાગરિક રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવવામાં આવે છે, પરંતુ તેનો લાભ પાત્ર વ્યક્તિ સુધી પહોંચે તે પણ એટલું જ મહત્વનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ‘સેચ્યુરેશન’ના અભિગમથી પાત્ર લાભાર્થીને દરેક યોજનાનો 100 ટકા લાભ મળે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
આયુષ્માન યોજના, આવાસ યોજના, ઉજ્જવલા યોજના, નળ દ્વારા પાણીનું કનેક્શન સહિતની વિવિધ યોજનાઓનો લાભ નાગરિકો સુધી પહોંચાડવામાં આવ્યો છે. સરકારી યોજનાઓનો લાભ લેવા માટે નાગરિકો સરકાર સુધી આવે તેની રાહ જોવાને બદલે યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થી સુધી પહોંચે તે માટે સક્રિય રીતે કામગીરી કરી રહી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગાંધીનગરમાં અગાઉ વિકાસકાર્યો માટેની પ્રક્રિયા ધીમી હતી અને નાનાં કામો માટે પણ લાંબો સમય રાહ જોવી પડતી હતી. આજે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કરોડો રૂપિયાનાં વિકાસકાર્યો ઝડપથી સાકાર થઈ રહ્યાં છે. નાગરિકોએ સરકાર અને મહાનગરપાલિકા પર જે વિશ્વાસ મૂક્યો છે, તેના પરિણામે વિકાસનાં કાર્યો જમીન પર સાકાર કરીને બતાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં વિકાસની સાથે પર્યાવરણ સંરક્ષણને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ટકાઉ વિકાસ પર્યાવરણના ભોગે થઈ શકે નહીં.
વૃક્ષારોપણ, તળાવોના ઇન્ટરલિંકિંગ, તળાવોમાં પાણી ભરવા, રિચાર્જ બોર સહિતનાં વિવિધ કાર્યો દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને જળસંચયને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સાથે જ ગામડાં સુધી લાઇબ્રેરીની સુવિધા પહોંચાડવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જ્યાં લાઇબ્રેરી હોય ત્યાં જ્ઞાન વધે છે અને જ્ઞાન વધે ત્યાં વિકાસની ગતિ પણ વધે છે.
ગાંધીનગરમાં ટ્રાફિક અને શહેરી સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે વિવિધ વિકાસકાર્યોની જાહેરાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાપેલી સુદૃઢ નાણાકીય વ્યવસ્થાના પરિણામે આજે પણ વિકાસકાર્યો માટે નાણાંની અછત રહેતી નથી. “કોઈપણ વિકાસનું કામ નાણાના અભાવે અટકી ન જાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે,” તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ગાંધીનગરના નાગરિકોને પોતાના વિસ્તારની જરૂરિયાતો અને બાકી રહેલા વિકાસકાર્યો મહાનગરપાલિકા સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની જરૂરિયાતો સરકાર સુધી પહોંચાડવામાં આવે તો બાકી રહેલા જરૂરી વિકાસકાર્યો પણ ઝડપથી હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, “વિકસિત ગુજરાત, વિકસિત ભારતની વિકાસયાત્રામાં લીડ લે અને તેમાં ગાંધીનગર પણ લીડ લે,” તે માટે સરકાર અને નાગરિકો સાથે મળીને કાર્ય કરશે.
મુખ્યમંત્રીએ કરેલી મહત્વની જાહેરાત આ મુજબ છે - ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પર વધતા ટ્રાફિક ભારણને પહોંચી વળવા ભાટ કોટેશ્વર ક્રોસિંગ પર અંડરપાસ માટે રૂ. 20.76 કરોડ, રક્ષાશક્તિ સર્કલથી ગિફ્ટ સિટી-શાહપુર જતા સાબરમતી નદી પરના બ્રિજના મજબૂતી કરણ માટે 12.80 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ગિફ્ટ સિટીથી પી.ડી.પી.યુ. તરફના જંકશન અને રોડ ડેવલપમેન્ટ માટે 7.70 કરોડ રૂપિયા, રક્ષાશક્તિ સર્કલથી ગિફ્ટ સિટી સર્કલ સુધી રોડ સેફ્ટિ અને પેવરના કામો માટે 7 કરોડ રૂપિયા ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના ભ્રષ્ટાચાર વિરોધી વલણનાં વખાણ કરતા કહ્યું કે, ભુપેન્દ્ર પટેલ બહુ બોલવાની ટેવ નથી, તેઓને સીધેસીધુ કામ કરનાની ટેવ છે. આખા દેશમાં લાંચિયા અધિકારીઓને સૌથી વધારે ગંગાજળ પીવડાવવાનું કામ આપણાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરને એક સમયે માત્ર સચિવાલયના શહેર તરીકે ઓળખવામાં આવતું હતું. આજે ગાંધીનગર આધુનિક સુવિધાઓ, શિક્ષણ, ઉદ્યોગ, વેપાર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમતું શહેર બન્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં અનેક મહત્વપૂર્ણ સુવિધાઓ અને પ્રકલ્પોનું નિર્માણ થયું છે. આજે એ જ ગાંધીનગર યુનિવર્સિટીઓ, હેલીપેડનાં એક્ઝિબિશન ગ્રાઉન્ડ, GIFT City અને મહાત્મા મંદિર જેવા પ્રકલ્પોથી ઓળખાય છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ સમાન નવરાત્રીના પર્વને રાજ્ય સરકારે વિશેષ પ્રોત્સાહન આપ્યું છે. નાગરિકોને મોડી રાત સુધી ગરબા રમવાની અને મા અંબાની ભક્તિ કરવાની તક આ સરકારે આપી છે. નવરાત્રીના પર્વ દરમિયાન નાના વેપારીઓને પણ દિવાળી જેવો વેપાર મળે તે માટે રાજ્ય સરકારે અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે.
ગાંધીનગરની જાહેર પરિવહન વ્યવસ્થાનો ઉલ્લેખ કરતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નાગરિકોની સુવિધા માટે શહેરમાં મોટી સંખ્યામાં ઈ-બસો સેવામાં મૂકવામાં આવી છે. ગાંધીનગરની ગલીએ-ગલીએ બસ પહોંચે એટલી બસો ગાંધીનગર મહાનગરપાલિકાએ આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી સંઘવીએ 30 જેટલી નવીન ઈ- બસોને લીલી ઝંડી આપીને તેમાં મુસાફરી કરીને સામાન્ય નાગરિકોને જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા પ્રેરણા આપી હતી.
મેયર મીરા પટેલે આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે મહાનગરપાલિકાના અંદાજે રૂ. 798 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત બદલ ગાંધીનગર અને તેની જનતા માટે સમય ફાળવવા બદલ તેમનો આભાર માન્યો હતો.
ગાંધીનગરના ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલે સ્વાગત કરતાં કહ્યું હતું કે, અમારી સરકારમાં રાજ્યનું પાટનગર ગાંધીનગર આજે શિક્ષણ,આરોગ્ય, મહાત્મા મંદિર, ગિફ્ટ સિટી જેવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી સુવિધાઓ માટે ઓળખાય છે.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી દર્શના વાઘેલા, દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ડેપ્યુટી મેયર નટુભાઇ ઠાકોર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, માર્ગ અને મકાન વિભાગના સચિવ પટેલિયા, મહાનગરપાલિકા કમિશનર જે.એસ. પ્રજાપતિ, શાસક પક્ષના નેતા અને મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ