


કચ્છ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં વરસાદમાં વિલંબ થતાં પશુપાલકો અને માલધારીઓ સામે ઘાસચારાની અછતની ચિંતા ઉભી થઈ છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘાસચારા વિતરણની કામગીરી પશુપાલકો માટે મહત્વની રાહત બની રહી છે. કચ્છ જિલ્લામાં અત્યારસુધીમાં 17 લાખ કિલોથી વધુ ઘાસ પશુધન માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જ્યારે માંડવી તાલુકામાં જ 4 લાખ કિલોથી વધુ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે.
માંડવી તાલુકામાં 23 જુલાઈથી ઘાસચારા વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તાલુકાના 90 ગામોને આવરી લેવા માટે કુલ 10 ઘાસ ડેપો કાર્યરત કરવામાં આવ્યા છે. તાલુકામાં આશરે 1,40,089 જેટલું પશુધન નોંધાયેલું છે અને અત્યારસુધીમાં 5,300 જેટલા ઘાસકાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા હોવાનું મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવાએ જણાવ્યું હતું. નવી નોંધણી તેમજ જરૂરિયાત મુજબ ઘાસકાર્ડ આપવાની પ્રક્રિયા પણ ચાલુ રાખવામાં આવી છે.
સરકાર દ્વારા પશુપાલકોને બજારભાવની સરખામણીએ ખૂબ જ ઓછા ભાવે ઘાસ આપવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે બજારમાં કિલોદીઠ આશરે 15થી 16 રૂપિયાના ભાવે મળતા ઘાસની સામે સરકારી વ્યવસ્થા હેઠળ માત્ર 2 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘાસ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. જેના કારણે વરસાદ મોડો પડ્યો હોય તેવા વિસ્તારોમાં પશુપાલકોને પશુધન નિભાવવામાં આર્થિક રાહત મળી રહી છે.
કોડાય ગામના પશુપાલક રવિભાઈ ગઢવીએ જણાવ્યું કે, ઓછા વરસાદને કારણે ઘાસચારાની જરૂરિયાત વધી છે ત્યારે સરકાર દ્વારા કરવામાં આવતું વિતરણ તેમના માટે રાહતરૂપ બન્યું છે. પ્રથમ રાઉન્ડ બાદ તેઓ બીજા રાઉન્ડમાં પણ ઘાસ લેવા આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
કોડાય ગામના સરપંચ વિરલભાઈ જોશીના જણાવ્યા મુજબ કોડાય ખાતે શરૂ કરાયેલા ઘાસ ડેપોમાં આસપાસના 11 ગામોને આવરી લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા સસ્તા ભાવે ઘાસ ઉપલબ્ધ કરાવવાથી માલધારીઓ અને ખેડૂતોને મોટી મદદ મળી રહી છે. વરસાદની રાહ જોતા પશુપાલકો માટે હાલ સરકારી ઘાસચારો પશુધન જાળવવામાં મહત્વનો આધાર બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar