
ગાંધીનગર, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : ઉદગમના કાર્યો હવે માત્ર ગુજરાત પૂરતા સીમિત નથી રહ્યા, પણ તેની નોંધ દેશભરમાં લેવાઈ રહી છે. અમદાવાદના ‘ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ’ના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. મયુર જોષીનું ઉત્તરાખંડના દેહરાદૂનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ‘ગંગા સમગ્ર’ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું છે.
‘ગંગા સમગ્ર’ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી રામાશિષજીની ઉપસ્થિતિમાં ઉત્તરાખંડ પર્યાવરણ સંરક્ષણ અને જળવાયુ પરિવર્તન મંત્રી રામસિંહ કેડાના હસ્તે ડૉ. જોષીને ગંગા અલંકરણ ૨૦૨૬ સન્માન આપવામાં આવ્યું હતું. સમાજ સેવા, પર્યાવરણ જાગૃતિ, પાણીની બચત અને લોકોના સહયોગથી થતા કાર્યોમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ સન્માન કરાયું છે.
આ સન્માન એવા સમયે મળ્યું છે જ્યારે અમદાવાદ પાણીની સુરક્ષા અંગે રાષ્ટ્રીય સ્તરની ચર્ચાઓનું કેન્દ્ર બન્યું છે. તાજેતરમાં જ ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં બે દિવસીય ‘Bharat Discourses on Water @2047’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાંચ ‘પદ્મ પુરસ્કાર વિજેતાઓ’ સાથે નીતિ ઘડનારાઓ, સંશોધકો, વૈજ્ઞાનિકો, જળ નિષ્ણાતો અને ગામડાંના સામાજિક કાર્યકરો એકઠા થયા હતા. આ સંમેલનનો મુખ્ય હેતુ ‘Bharat by 2047’ સુધીમાં ભારતને પાણીની બાબતમાં સુરક્ષિત બનાવવા માટે જળ સંચય, જૂની જળ પ્રણાલીઓ અને લોકભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાનો હતો.
ડૉ. જોષીએ આ રાષ્ટ્રીય સંવાદને અમદાવાદ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પહેલથી અમદાવાદ દેશભરના પાણીની સમસ્યાઓ સામેના વ્યવહારુ અને જન-આધારિત ઉકેલો શોધવાના અભિયાન સાથે જોડાયું છે.
ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડૉ. મયુર જોષી ત્રણ દાયકાથી લોક કલ્યાણ, સામાજિક સશક્તિકરણ અને પર્યાવરણ જાગૃતિ માટે કામ કરી રહ્યા છે, જેમાં સૌના સાથ અને દીર્ઘકાલીન પ્રભાવ પર વિશેષ ભાર આપવામાં આવે છે.
આ સન્માન અંગે ખુશી વ્યક્ત કરતા ડૉ. જોષીએ કહ્યું, ‘આ સન્માન અમારા કામને વધુ ઉત્સાહથી આગળ વધારવા માટે પ્રેરણા પૂરું પાડે છે. અમદાવાદ હંમેશાં સમૂહ ભાવનામાં માનનારું શહેર રહ્યું છે. પાણી, પર્યાવરણ અને સમાજ ઉત્કર્ષના પડકારોને પહોંચી વળવા અમે લોકો, નિષ્ણાતો અને સંસ્થાઓને સાથે જોડીને આ ભાવનાને વધુ મજબૂત કરવા માંગીએ છીએ.’
દેહરાદૂનમાં મળેલું આ સન્માન ગાંધીનગરના સામાજિક ક્ષેત્ર માટે ગર્વની વાત છે. તે દર્શાવે છે કે શહેરમાંથી શરૂ થયેલા પ્રયાસો પર્યાવરણ જળ સુરક્ષા અને ટકાઉ વિકાસ જેવા રાષ્ટ્રીય મુદ્દાઓમાં કેવી રીતે મોટું યોગદાન આપી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ