
ભાવનગર,13 સપ્ટેમ્બર (હિ.સ.)તળાજા તાલુકાના ઠળિયા, જાલવદર, સાંગાણા, કામળોલ સહિતના અનેક ગામોમાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવાર સુધી વરસાદી માહોલ યથાવત રહેતા સમગ્ર તાલુકામાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમય બાદ સારો વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે.
મોડી રાતથી સતત વરસતા વરસાદને કારણે ગામડાઓના રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક સ્થળોએ રસ્તાઓ પર કાદવનું સામ્રાજ્ય છવાઈ જતાં વાહનચાલકોને પણ સાવચેતીપૂર્વક વાહન હંકારવાની ફરજ પડી રહી છે.
વરસાદને પગલે ખેતરોમાં પણ પાણી પહોંચ્યું છે. અગાઉ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ ખેતીના પાક માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ખાસ કરીને વાવેતર થયેલા પાકને વરસાદથી ફાયદો થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, સતત ભારે વરસાદ વરસે તો ખેતરોમાં પાણી ભરાવાની અને પાકને નુકસાન થવાની સંભાવના પણ ખેડૂતોમાં ચિંતા ઊભી કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA