
ઉજ્જૈન, નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર (હિ.સ.). મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં સોમવારે વહેલી સવારે ભસ્મ આરતી દરમિયાન ભગવાન મહાકાલનો ગણેશ ચતુર્થીના અવસરે વિશેષ શણગાર કરવામાં આવ્યો. મંદિરના દ્વાર સવારે ચાર વાગ્યે ખુલ્યા. પંડા-પૂજારીઓએ ગર્ભગૃહમાં સ્થાપિત દેવી-દેવતાઓનું પૂજન કરીને ભગવાન મહાકાલનો જલાભિષેક કર્યો. ત્યારબાદ દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ અને ફળોના રસથી તૈયાર કરાયેલા પંચામૃતથી અભિષેક-પૂજન કરવામાં આવ્યું.
ગણેશ ચતુર્થી પર બાબા મહાકાલને ચાંદીના આભૂષણો ધારણ કરાવવામાં આવ્યા. ભાંગ અને ચંદનનું લેપન કરીને ત્રિપુંડ લગાવવામાં આવ્યું. ત્યારબાદ ભગવાનનો ગણેશ સ્વરૂપમાં આકર્ષક શણગાર કરવામાં આવ્યો. મોગરા અને ગુલાબના સુગંધિત પુષ્પોની સાથે રુદ્રાક્ષ અને પુષ્પ માળાઓથી બાબાનું અલંકરણ કરવામાં આવ્યું. ભસ્મ અર્પણ કરતા પહેલા પ્રથમ ઘંટ વગાડીને મંત્રોચ્ચાર વચ્ચે ભગવાનનું ધ્યાન કરવામાં આવ્યું. હરિઓમનું જળ અર્પણ કર્યા પછી કપૂર આરતી થઈ. ત્યારબાદ જ્યોતિર્લિંગને વસ્ત્રથી ઢાંકીને ભસ્મ અર્પણ કરવામાં આવી. મહા નિર્વાણી અખાડા તરફથી ભગવાન મહાકાલને ભસ્મ અર્પણ કરવામાં આવી. ભસ્મ આરતી પછી બાબાને શેષનાગનો ચાંદીનો મુગટ, ચાંદીની મુંડમાળા અને રુદ્રાક્ષની માળા ધારણ કરાવવામાં આવી.
ભસ્મ આરતી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા. બાબા મહાકાલના ગણેશ સ્વરૂપના દર્શન કરીને શ્રદ્ધાળુઓએ આશીર્વાદ લીધા. ભગવાનને ફળ અને મિષ્ટાનનો ભોગ ધરાવવામાં આવ્યો. શ્રદ્ધાળુઓએ નંદી મહારાજના દર્શન કર્યા અને તેમના કાનમાં પોતાની મનોકામના કહી. આ દરમિયાન મંદિર પરિસર બાબા મહાકાલના જયઘોષથી ગુંજી ઉઠ્યું.
મહાકાલ મંદિરની પરંપરામાં ભસ્મ આરતીનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે, ભસ્મ અર્પણ કર્યા પછી ભગવાન મહાકાલ નિરાકારમાંથી સાકાર સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે. આ જ આસ્થા સાથે શ્રદ્ધાળુઓ ભસ્મ આરતીમાં સામેલ થઈને બાબાના દર્શન કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / નેહા પાંડે / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ