
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર (હિ.સ.) દક્ષિણ ભારતીય અભિનેત્રી નયનતારાની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'મહાશક્તિ'નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સુંદર સી.ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં નયનતારા ફરી એકવાર લોકપ્રિય પાત્ર 'મુકુથી અમ્મન' તરીકે જોવા મળી રહી છે. વર્ષ 2020માં રિલીઝ થયેલી 'મુકુથી અમ્મન'માં તેમના આ પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. હવે તેની વાપસીએ ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા વધારી દીધી છે. ટીઝરમાં ભવ્ય દ્રશ્યો, મોટા પાયે તૈયાર કરાયેલા સેટ અને રહસ્યથી ભરપૂર માહોલ જોવા મળે છે.
'મહાશક્તિ'નું નિર્માણ ડૉ. ઈશ્વરી કે. ગણેશે વેલ્સ ફિલ્મ ઇન્ટરનેશનલના બેનર હેઠળ અવની મીડિયા, આઇવીવાય એન્ટરટેઇનમેન્ટ અને રાઉડી પિક્ચર્સ સાથે મળીને કર્યું છે. ફિલ્મમાં નયનતારા ઉપરાંત રેગિના કસાન્ડ્રા, યોગી બાબુ અને ઉર્વશી સહિત અનેક કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. ટીઝરમાં નયનતારાનું દમદાર અને પહેલાં કરતાં અલગ રૂપ જોવા મળ્યું છે. નિર્દેશક સુંદર સી.એ આ વખતે 'મુકુથી અમ્મન'ની દુનિયાને મોટા સ્તરે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
ફિલ્મને નવેમ્બર 2026માં હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. ઉત્તર ભારતમાં ફિલ્મના વિતરણની જવાબદારી એએ ફિલ્મ્સ સંભાળશે. નયનતારાના લોકપ્રિય પાત્રની વાપસી અને ફિલ્મના ભવ્ય સ્તરને જોતાં 'મહાશક્તિ'ને લઈને દક્ષિણ ભારતીય સિનેમાની સાથે હિન્દી દર્શકોમાં પણ ઉત્સુકતા જળવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ