
સિયોલ, નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર (હિ.સ.) દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાન વચ્ચે પાંચ દિવસીય સંયુક્ત લશ્કરી કવાયત સમાપ્ત થયા બાદ ઉત્તર કોરિયાએ તોપખાના અને મિસાઈલ એકમો સાથે મોટા પાયે ‘ફાયર પાવર સ્ટ્રાઈકડ્રીલ’ કરી. ઉત્તર કોરિયાના સરકારી માધ્યમોએ સોમવારે આ લશ્કરી કવાયતની જાણકારી આપી.
દક્ષિણ કોરિયાની સરકારી સમાચાર સંસ્થા યોનહાપ અનુસાર, આ અહેવાલ દક્ષિણ કોરિયાના જૉઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ (જેસીએસ) ના તે નિવેદનના બે દિવસ પછી આવ્યો છે, જેમાં જણાવાયું હતું કે, ઉત્તર કોરિયાએ વોનસાન વિસ્તારમાંથી ઈસ્ટ સી તરફ ઘણી ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઈલો દાગી હતી.
નોંધનીય છે કે, ગત 12 સપ્ટેમ્બરના રોજ કોરિયન પીપલ્સ આર્મીના લાંબા અંતરના તોપખાના અને મિસાઈલ એકમોએ સંયુક્ત ‘ફાયરપાવરસ્ટ્રાઈકડ્રીલ’ માં ભાગ લીધો.
આ કવાયતમાં પાંચ તોપખાના અને મિસાઈલ સંયુક્ત એકમોમાંથી પસંદ કરાયેલા ઉપ-એકમો સામેલ હતા. આ દરમિયાન ઘણી આધુનિક શસ્ત્ર પ્રણાલીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં અનેક પ્રકારના હુમલાખોર ડ્રોન, વ્યૂહાત્મક ક્રુઝ મિસાઈલો, મોટા કેલિબરવાળા થર્મલ-પ્રેશર બહુવિધ રોકેટ લૉન્ચર અને વ્યૂહાત્મક બેલિસ્ટિક મિસાઈલો સામેલ હતી. ઉત્તર કોરિયાના સરકારી માધ્યમોએ દાવો કર્યો છે કે તમામ હુમલાખોર શસ્ત્ર પ્રણાલીઓએ પોતાના નિર્ધારિત લક્ષ્યોને 100 ટકા ચોકસાઈ સાથે નિશાન બનાવ્યું. ઉત્તર કોરિયાએ આ કવાયતને પોતાની ગોળીબાર શક્તિ અને વિવિધ લશ્કરી એકમો વચ્ચે સંકલન કરવાની ક્ષમતાનું પ્રદર્શન ગણાવ્યું.
ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ-ઉન આ કવાયતમાં હાજર ન હતા. કવાયતનું નિરીક્ષણ ઉત્તર કોરિયાના સેન્ટ્રલ મિલિટરી કમિશનના ઉપ-અધ્યક્ષ પાક જોંગ-ચોને કર્યું. વળી, ઉત્તર કોરિયાની સેનાના તોપખાના બ્યુરોના નિર્દેશક યુ ચાંગ-સને કહ્યું કે, આ પ્રકારની વ્યવહારિક કવાયતથી દુશ્મન સામે જવાબી કાર્યવાહીની તૈયારી અને લશ્કરી નિપુણતાને મજબૂત કરવામાં આવશે.
શનિવારનું મિસાઈલ પ્રક્ષેપણ આ વર્ષે ઉત્તર કોરિયાનું 13મું બેલિસ્ટિક મિસાઈલ પરીક્ષણ માનવામાં આવી રહ્યું છે. દક્ષિણ કોરિયાના અધિકારીઓના આકારણી મુજબ, દાગવામાં આવેલી મિસાઈલો હ્વાસોંગ-11 સિરીઝની ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઈલો હોઈ શકે છે. આ ઉપરાંત 600 મિલીમીટરના અતિ-મોટા બહુવિધ રોકેટ લૉન્ચરમાંથી પણ ગોળા દાગવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે.
ઉત્તર કોરિયા સામાન્ય રીતે મિસાઈલ પ્રક્ષેપણના બીજા દિવસે તેની જાણકારી સાર્વજનિક કરે છે. જોકે, આ વખતે અહેવાલ ફક્ત કેસીએનએમાં પ્રકાશિત થયો અને ઘરેલું દર્શકો માટે મુખ્ય સમાચાર માધ્યમ રોડોંગ સિનમુનમાં તેને સ્થાન આપવામાં આવ્યું ન હતું.
દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાને શુક્રવારે દક્ષિણ કોરિયાના જેજુ ટાપુના પૂર્વ અને દક્ષિણમાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં પોતાનો પાંચ દિવસીય ‘ફ્રીડમ એજ’ લશ્કરી અભ્યાસ પૂરો કર્યો હતો.
ઉત્તર કોરિયાએ આ કવાયતની સખત ટીકા કરી છે. તેના રક્ષા મંત્રી કિમ સોંગ-ગીએ અમેરિકાના નેતૃત્વ હેઠળના લશ્કરી અભ્યાસોને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવતા જવાબી પગલાં લેવાની ચેતવણી આપી.
જોકે, અમેરિકા અને દક્ષિણ કોરિયાએ ગયા મહિને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ બાદ પોતાનો વાર્ષિક ‘ઉલ્ચી ફ્રીડમ શીલ્ડ’ (યુએફએસ) અભ્યાસ ઘટાડી દીધો હતો, પરંતુ અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનનો ‘ફ્રીડમ એજ’ અભ્યાસ નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાઈ હતી.
આ દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, આ વર્ષે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથે મુલાકાત કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. આવા સમયે એક તરફ લશ્કરી તણાવ અને બીજી તરફ સંભવિત રાજદ્વારી સંપર્કના પ્રયાસો વચ્ચે કોરિયન દ્વીપકલ્પની સ્થિતિ પર દુનિયાની નજર ટકેલી છે.
હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ