

કચ્છ, 15 સપ્ટેમ્બર (હિ.સ.) : લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા કચ્છવાસીઓ માટે છેલ્લા બે દિવસ મેઘરાજાની મહેરના સાક્ષી બન્યા છે. અછતના ઓછાયા અને વરસાદના લાંબા વિરામ વચ્ચે જિલ્લામાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ થતાં ધરતીપુત્રો તેમજ માલધારીઓમાં રાહત અને આનંદની લાગણી જોવા મળી રહી છે. વરસાદના આગમન સાથે સૂકાઈ રહેલી જમીનમાં નવજીવનની આશા જાગી છે અને સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે.
વરસાદની આ ખુશી માત્ર ગામડાં પૂરતી સીમિત રહી નથી. ભુજ સ્થિત કલેક્ટર કચેરી ખાતે પણ મેઘરાજાના આગમનની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના પ્રજાપ્રતિનિધિઓ એકત્ર થઈને વરસાદનું હર્ષભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ જિલ્લા કલેક્ટર અમિત રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમને મીઠું મોં કરાવી વરસાદની ખુશીની શુભેચ્છા પાઠવી હતી.
કચ્છ જેવા સરહદી અને અર્ધશુષ્ક જિલ્લામાં વરસાદનું આગવું મહત્વ છે. ચોમાસામાં સારો વરસાદ ખેતી ઉપરાંત પીવાના પાણી અને પશુધન માટે પણ જીવનદાયી સાબિત થાય છે. છેલ્લા દિવસોમાં પડેલા વરસાદથી ખેતરોમાં વાવેતર માટે નવી આશા ઊભી થઈ છે, જ્યારે ચરિયાણ વિસ્તારોમાં પણ લીલોતરી જોવા મળવાની આશા બંધાઈ છે.
ખાસ કરીને માલધારીઓ માટે વરસાદ રાહતનો સંદેશ લઈને આવ્યો છે. વરસાદથી ઘાસચારો ઉપલબ્ધ થવાની શક્યતા વધતા પશુપાલકોને મોટી રાહત મળી શકે છે. બીજી તરફ, પાણીના સ્ત્રોતોમાં વધારો થવાની આશા હોવાથી આગામી દિવસોમાં પીવાના પાણીની સ્થિતિમાં પણ સુધારો થવાની અપેક્ષા છે.
મેઘરાજાની મહેરથી કચ્છમાં જાણે અછતના ઓછાયા હળવા થયા હોય તેવો માહોલ સર્જાયો છે. લાંબા સમય બાદ વરસેલા વરસાદે ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય લોકોના ચહેરા પર ખુશી લાવી છે. કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે લોકો હવે સારા અને સતત વરસાદની આશા રાખી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar