એશિયન ગેમ્સ 2026: હોકીમાં ભારતની નજર સુવર્ણ પર, લોસ એન્જલસ ઓલિમ્પિકની ટિકિટ પણ દાવ પર
નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.). તાજેતરમાં સંપન્ન થયેલા વિશ્વ કપમાં ભારતીય પુરુષ ટીમ આઠમા અને મહિલા ટીમ પાંચમા સ્થાને રહ્યા બાદ, હવે બંને ટીમો એશિયન ગેમ્સમાં સુવર્ણ પદક જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. પુરુષ વર્ગમાં ભારતને ખિતાબનો પ્રબળ દાવેદાર
ભારતીય હોકી ટીમ


નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.). તાજેતરમાં સંપન્ન થયેલા વિશ્વ કપમાં ભારતીય પુરુષ ટીમ આઠમા અને મહિલા ટીમ પાંચમા સ્થાને રહ્યા બાદ, હવે બંને ટીમો એશિયન ગેમ્સમાં સુવર્ણ પદક જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. પુરુષ વર્ગમાં ભારતને ખિતાબનો પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે, જ્યારે મહિલા ટીમ પણ ચીનને પછાડીને સુવર્ણ પદક જીતવાની આશા સાથે મેદાનમાં ઉતરશે. એશિયન ગેમ્સમાં સુવર્ણ પદક જીતવું લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક માટે સીધા ક્વોલિફિકેશનનો માર્ગ પણ ખોલશે.

ક્રેગ ફુલ્ટનના નેતૃત્વ હેઠળની ભારતીય પુરુષ ટીમ છેલ્લા ચાર વર્ષથી એશિયન હોકીમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. વર્ષ 2023 થી ભારતે બે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી, એશિયા કપ અને એશિયન ગેમ્સ સહિતની તમામ ખંડીય સ્પર્ધાઓ જીતી છે અને આ સમયગાળા દરમિયાન તેને એક પણ હારનો સામનો કરવો પડ્યો નથી.

જોકે, સતત બીજી વખત એશિયન ગેમ્સનું સુવર્ણ જીતવું સરળ નહીં હોય. વર્ષ 2006 પછી કોઈ પણ ટીમ સતત બે સંસ્કરણોમાં પુરુષ હોકીનું સુવર્ણ જીતી શકી નથી. કાકામિગાહારામાં ભારતીય ટીમનું અભિયાન એક સપ્તાહથી પણ ઓછા સમયમાં શરૂ થશે અને વિશ્વ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ આ સ્પર્ધા ફુલ્ટન અને ટીમના ઘણા વરિષ્ઠ ખેલાડીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે.

વિશ્વ કપની ભૂલોમાંથી શીખવાનો પડકાર

વિશ્વ કપમાં અમિત રોહિદાસ, જરમનપ્રીત સિંહ, સુમિત, જુગરાજ સિંહ, યશદીપ સિવાચ, સંજય રાણા અને હરમનપ્રીત સિંહ સહિત ભારતીય રક્ષણ પંક્તિના ખેલાડીઓનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું ન હતું. ભારતે આખી ટુર્નામેન્ટમાં 19 ગોલ ખાધા, જે વિશ્વ કપમાં પાંચમો સૌથી ખરાબ રક્ષણાત્મક રેકોર્ડ હતો. પાકિસ્તાન સામે પણ ભારતે ત્રણ ગોલ ગુમાવ્યા.

ગોલકીપિંગથી લઈને ફોરવર્ડ લાઇન સુધી લગભગ દરેક વિભાગ સંઘર્ષ કરતો જોવા મળ્યો. જોકે, પેનલ્ટી કોર્નર પર હરમનપ્રીત સિંહની ડ્રેગફ્લિક ભારત માટે મોટી સકારાત્મક બાબત રહી. પીઠની સમસ્યાથી ઝઝૂમવા છતાં તેમની શાનદાર ફિનિશિંગે ઘણી તકો પર ભારતને મુકાબલામાં ટકાવી રાખ્યું.

હવે હરમનપ્રીતની સફળતાને ફિલ્ડ પ્લેમાં ભારતીય ફોરવર્ડ ખેલાડીઓએ આગળ વધારવી પડશે. 2023ના એશિયન ગેમ્સ પછી અભિષેક નૈન સતત પ્રભાવી રહ્યા છે અને તેમણે 86 મેચોમાં 30 ગોલ કર્યા છે. જ્યારે, અનુભવી ફોરવર્ડ મનપ્રીત સિંહે 69 મેચોમાં 11 ગોલ કર્યા છે.

ફુલ્ટને ટીમના ચારેય ક્વાર્ટરમાં સમાન સ્તર જાળવી રાખવામાં નિષ્ફળ રહેવા પર નિરાશા વ્યક્ત કરી હતી. જોકે, એશિયાની અન્ય ટીમોમાં પણ આખી મેચમાં સતત ઉચ્ચ સ્તરનું પ્રદર્શન કરવાની ક્ષમતા અંગે પ્રશ્નો છે. લોસ એન્જલસ ઓલિમ્પિકની ટિકિટ દાવ પર હોવાને કારણે ફુલ્ટને ટીમમાં અનુભવને પ્રાથમિકતા આપી છે. આ જ કારણસર આદિત્ય લાલગેની જગ્યાએ રાજકુમાર પાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જેઓ વિશ્વ કપમાં પણ ટીમ સાથે હતા.

ભારતને ગ્રુપ તબક્કામાં યજમાન જાપાન અને દક્ષિણ કોરિયા સામેની શરૂઆતની મેચોમાં પોતાની તૈયારીઓની પરીક્ષા આપવી પડશે. આ પછી નોકઆઉટ તબક્કામાં પાકિસ્તાન કે મલેશિયા સામે સંભવિત મુકાબલો થઈ શકે છે.

મહિલા ટીમ પણ સુવર્ણની દાવેદાર

મહિલા વર્ગમાં સજોર્ડ મારિજાનેની ભારતીય ટીમ ચીન પાસેથી એશિયન વર્ચસ્વ છીનવી લેવાના ઇરાદા સાથે ઉતરશે. વિશ્વ કપમાં અપેક્ષા કરતાં વધુ સારા પાંચમા સ્થાને રહ્યા બાદ ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. યુવા ખેલાડીઓ અને અનુભવી ખેલાડીઓના સંતુલિત મિશ્રણે ટીમમાં નવી ઊર્જા પેદા કરી છે.

વિશ્વ કપમાં ભારતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ગોલ ખાધો ન હતો, જ્યારે ચીન, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ્સ અને જર્મની સામેની ચાર મેચોમાં ફક્ત છ ગોલ ગુમાવ્યા. ભારતે જે છ ટીમોનો સામનો કર્યો, તેમાંથી પાંચની રેન્કિંગ તેના કરતાં સારી હતી.

ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં બોલ પર વધુ સારું નિયંત્રણ અને સંયમ રાખ્યો હોત તો ભારત સેમિફાઇનલની રેસમાં હોઈ શકત. જોકે, વિશ્વ કપમાં 11 ખેલાડીઓના પદાર્પણ સાથે ઉતરેલી યુવા ટીમ હવે તે અનુભવોનો એશિયન ગેમ્સમાં ઉપયોગ કરવા માંગશે.

નવનીત કૌર અને દીપિકા ભારત માટે ગોલ કરવાની સૌથી મોટી આશા હશે. બંને ફિલ્ડ ગોલની સાથે-સાથે પેનલ્ટી કોર્નર પર પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ગ્રુપ તબક્કામાં પ્રમાણમાં નબળી ટીમો સામેની મેચોથી ભારતના અન્ય આક્રમક ખેલાડીઓને પણ પોતાની ક્ષમતા બતાવવાની તક મળશે.

ભારત પાસે સવિતા પૂનિયા અને બિચુ દેવીના રૂપમાં બે મજબૂત ગોલકીપર છે. મેડલ રાઉન્ડમાં, ખાસ કરીને ચીન સામેની સંભવિત મેચમાં, બંનેની ભૂમિકા મહત્વપૂર્ણ હોઈ શકે છે. વિશ્વ કપની શરૂઆતની મેચમાં ભારતે ચીનને 2-2 થી બરાબરી પર રોક્યું હતું, પરંતુ રક્ષણ પંક્તિની અનુભવહીનતાને કારણે શિલ્પી દાસની ભૂલથી ચીનને પેનલ્ટી સ્ટ્રોક મળી ગયો હતો.

44 વર્ષનો દુષ્કાળ સમાપ્ત કરવાનું લક્ષ્ય

અનુભવી મિડફિલ્ડર નેહાને વિશ્વાસ છે કે ભારત આ વખતે 44 વર્ષથી ચાલી રહેલા એશિયન ગેમ્સના સુવર્ણ પદકના દુષ્કાળને સમાપ્ત કરી શકે છે. તેમણે કહ્યું, “આપણે સુવર્ણ પદક જીતવાનું છે. ભલે ગમે તે થાય, અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું. અમે સુવર્ણ પદક જીતીશું.”

મહિલા ટીમ સાથે એક વધુ પુનરુત્થાનનો પ્રયાસ કરી રહેલા મારિજાનેનું માનવું છે કે, ભારતીય પ્રતિભાઓનો વર્તમાન સમૂહ તેમની પ્રથમ કાર્યકાળવાળી ટીમ કરતાં પણ સારો હોઈ શકે છે. જોકે, 2026ની આ ટીમ વિશ્વ કપમાં પાંચમા સ્થાનની શાનદાર ઉપલબ્ધિ બાદ એશિયન ગેમ્સમાં સુવર્ણ જીતીને જ આ દાવાને સાચો સાબિત કરી શકશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande