
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.): કેન્દ્ર સરકારે પાકિસ્તાન સ્થિત શહઝાદ ભટ્ટી નેટવર્ક (એસબીએન) ને, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ ( યુએપીએ) હેઠળ આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે. સરકારે યુએપીએ ના પ્રથમ અનુસૂચિમાં સુધારો કરીને એક ગેઝેટ સૂચના બહાર પાડી, જેમાં શહઝાદ ભટ્ટી નેટવર્કને શ્રેણી નંબર 46 પર આતંકવાદી સંગઠનોની યાદીમાં ઉમેરવામાં આવ્યું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના કાર્યાલય તરફથી સોશિયલ મીડિયા પર એક સત્તાવાર પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા નીતિને આગળ ધપાવતા, ગૃહ મંત્રાલયે શહઝાદ ભટ્ટી નેટવર્કને યુએપીએ હેઠળ આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે.
શહઝાદ ભટ્ટી નેટવર્ક સરહદ પારથી હથિયારો, વિસ્ફોટકો અને ડ્રગ્સની હેરફેરમાં તેમજ યુવાનો અને નાના ગુનેગારોને આતંકવાદ માટે ઉશ્કેરવામાં સામેલ છે. આ સિન્ડિકેટ ભારતના લોકશાહી માળખા અને સાંપ્રદાયિક સંવાદિતાને લક્ષ્ય બનાવતી નફરત ફેલાવતી ડિજિટલ સામગ્રી પ્રકાશિત કરી રહ્યું છે.
ગેઝેટ નોટિફિકેશનમાં જણાવાયું છે કે, શહજાદ ભટ્ટી નેટવર્કનો ઉદ્દેશ્ય યુવાનો અને સ્થાનિક ગુનેગારોને સરહદ પારથી હથિયારો, વિસ્ફોટકો અને માદક દ્રવ્યોની દાણચોરીમાં સામેલ કરવાનો અને આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા દેશની લોકશાહી વ્યવસ્થા, સાંપ્રદાયિક સંવાદિતા અને આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો ઉભો કરવાનો છે. નોટિફિકેશનમાં વિવિધ રાજ્યોમાં નેટવર્કના સભ્યો સામે નોંધાયેલા ફોજદારી કેસોનો પણ ઉલ્લેખ છે.
નોટિફિકેશન અનુસાર, આ નેટવર્ક વિવિધ પ્રલોભનો દ્વારા યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં, તેમને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે પ્રેરિત કરવામાં અને આવી પ્રવૃત્તિઓ માટે સંસાધનો એકત્ર કરવા માટે અન્ય પ્રતિબંધિત સંગઠનો અને નિયુક્ત સંસ્થાઓ સાથે સાંઠગાંઠ કરવામાં સામેલ રહ્યું છે. સરકારે એમ પણ જણાવ્યું હતું કે નેટવર્ક ઉશ્કેરણીજનક સંદેશાઓ અને સામગ્રીનો પ્રસાર કરવા માટે ડિજિટલ સંચાર પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે.
યુએપીએ ની કલમ 35 હેઠળની સત્તાઓનો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકારે કાયદાની પ્રથમ સૂચિમાં સુધારો કર્યો છે. આ હેઠળ, હાલની યાદીમાં 45મા સ્થાન પછી 46. શહજાદ ભટ્ટી નેટવર્ક (એસબીએન) એક નવી એન્ટ્રી ઉમેરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / અનુપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ