
ભાવનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની કામગીરીથી ફરાર કેદીને ફરીથી જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ભાવનગર LCBની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદની સાબરમતી જેલમાં ભરણપોષણના કેસમાં સજા ભોગવી રહેલો કેદી અફજલભાઈ જમાલભાઈ કાલવા પેરોલ રજા પર બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો છે અને હાલ ભાવનગરના સાંઢીયાવાડ વિસ્તારમાં આવેલી ‘એ વન ચિકન’ નામની દુકાન ખાતે હાજર છે.
બાતમી મળતાં LCBની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમીવાળી જગ્યાએ અફજલભાઈ જમાલભાઈ કાલવા હાજર મળી આવ્યો હતો. પોલીસે તેની ઓળખ કરી તેને કબજામાં લીધો હતો. ત્યારબાદ પેરોલ રજા પરથી ફરાર થવાના ગુનામાં જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પકડાયેલ કેદી અફજલભાઈ જમાલભાઈ કાલવા, ઉંમર 30 વર્ષ, વ્યવસાયે મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તે ભાવનગરમાં મટન માર્કેટ પાસે, જમના કુંડ વિસ્તારમાં રહે છે.
આ મામલે ધોળકા કોર્ટના સેશન્સ કેસ નં. 252/2024 તથા 82/2025 હેઠળ Cr.P.C. કલમ 125 મુજબનો કેસ નોંધાયેલો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પેરોલ જમ્પ કરનાર કેદીને અમદાવાદની સાબરમતી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA