
કચ્છ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીના ભાગરૂપે સથવારા ફળીયા-ભગતવાડી વિસ્તારમાં દરોડો પાડી જુગારનો ગણનાપાત્ર કેસ ઝડપી પાડવામાં આવ્યો છે. ભુજ શહેર બી ડિવિઝન પોલીસે કરેલી આ કાર્યવાહીમાં કુલ 12 લોકોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું પોલીસ તરફથી જાણવા મળ્યું છે. સ્થળ પરથી રોકડ રકમ મળી આવતા પોલીસે તેને કાયદેસરની કાર્યવાહી માટે કબજે લીધી છે.
પોલીસના જણાવ્યા મુજબ સથવારા ફળીયા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી મળ્યા બાદ બી ડિવિઝન પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી બાતમીના આધારે પોલીસ કર્મચારીઓએ સ્થળ પર પહોંચીને તપાસ કરતાં ત્યાં જુગાર સંબંધિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે સ્થળ પર હાજર લોકોને ઝડપી લઈ તેમની પાસેથી રોકડ રકમ કબજે કરી હતી.
આ કાર્યવાહીમાં પોલીસે કુલ ₹53,600 રોકડ રકમ કબજે કરી છે. જ્યારે અન્ય કોઈ જુગારનું સાહિત્ય મળી આવ્યું નથી. પોલીસે સ્થળ પરથી ઝડપાયેલા તમામ 12 લોકો સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ કાર્યવાહી દરમિયાન વિજય ગોવિંદભાઈ સથવારા, મનિષ મંગુભાઈ સથવારા, અનિલ ઉર્ફે ભુરો રાજુભાઈ સથવારા, કલ્પેશ હીરાભાઈ સથવારા, ગોવિંદ નીતિન બુધીયા, મીથુભાઈ રાયચંદ સથવારા, દિલીપભાઈ મણીલાલ સથવારા, મનોજ ઉર્ફે મણ્યો જંયતીભાઈ સથવારા, કાજલબેન નીતિનભાઈ સથવારા, કાવ્યા મનુભાઈ સથવારા, પાર્વતીબેન ભીખુભાઈ દેવિપુજક અને સરોજબેન નીતિનભાઈ સથવારાને ઝડપી લેવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. રાણાની આગેવાની હેઠળ હાથ ધરાઈ હતી. બાતમીના આધારે કાર્યવાહી કરવામાં પો.હેડ કોન્સ્ટેબલ મુકેશ કાળુભાઈ પટણીની મહત્વની ભૂમિકા રહી હતી. તેમની સાથે એ.એસ.આઈ. કિશોરસિંહ બી. જાડેજા સહિત પોલીસ સ્ટાફ અને મહિલા પોલીસ કર્મચારીએ દરોડાની કામગીરીમાં જોડાઈ કાર્યવાહી પૂર્ણ કરી હતી.
ભુજ શહેરના રહેણાંક વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહીથી આવા તત્વોમાં ચકચાર મચી છે. પોલીસે કબજે કરેલી રોકડ રકમ અને ઝડપાયેલા લોકો અંગે આગળની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar